28 July, 2026 08:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC)એ ગાયમુખથી ઘોડબંદર રોડ પર ફાઉન્ટન હોટેલ સુધી ૬૦ મીટર સુધી હાઇવે પહોળો કરવાની યોજના રજૂ કરી છે. ગાયમુખ અને ભાઈંદરપાડા ગામથી કાશીમીરા નાકા સુધીની મેટ્રો 10 પણ આ રૂટ પર પ્રસ્તાવિત છે. મેટ્રો 10 અગાઉ અન્ડરગ્રાઉન્ડ રાખવાનો પ્રસ્તાવ હતો, પરંતુ એ યોજના હવે રદ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એ ગાયમુખ ઘાટની સમાંતર અને પ્રસ્તાવિત પહોળા રસ્તા પર દોડશે. આ માટે વનવિભાગ અને કોસ્ટલ રેગ્યુલેટરી ઝોન (CRZ)ની મંજૂરીઓ માગવામાં આવી રહી છે.
હાઇવે પર અકસ્માતોની સંખ્યાને કારણે એ પહોળા કરવાનું જરૂરી છે, પરંતુ એ માટે કેટલાં વૃક્ષો કાપવાં પડી શકે છે એ હજી સુધી જાણી શકાયું નથી.
એક સિનિયર ફૉરેસ્ટ-ઑફિસરના જણાવવા મુજબ ઘોડબંદર રોડ પણ વાસ્તવમાં ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની જમીન હતી અને રાજ્ય સરકારે એને બે લેનનો રોડ બનાવવા માટે હસ્તગત કરી હતી. પાછળથી એક મોટો વિસ્તાર ૮ લેન હાઇવે અને ૪ સર્વિસ લેન સુધી પહોળો કર્યો. જોકે તેઓ ગાયમુખથી ફાઉન્ટન હોટેલ સુધીનો વિસ્તાર પૂરો કરી શક્યા નહીં, કારણ કે વનવિભાગે જમીન આપવાનો ઇનકાર કર્યો હતો. એને કારણે આ પટ્ટા પર હજી રોડ પહોળો કરવાની જરૂર છે.