08 December, 2025 12:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેટ્રોમાં ટેક્નિકલ ફૉલ્ટ આવ્યો હોવાની માહિતી ટ્રેનની અંદર ડિસ્પ્લે-મૉનિટર પર ફ્લૅશ કરાઈ હતી અને એ બદલ મેટ્રોએ દિલગીરી પણ વ્યક્ત કરી હતી.
મેટ્રો 2A (અંધેરી-વેસ્ટ, ડી.એન.નગરથી દહિસર) અને મેટ્રો 7 (દહિસરથી ગુંદવલી) પ્રવાસ કરતા પ્રવાસીઓએ ગઈ કાલે સાંજે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. મેટ્રોની આ બન્ને લાઇનમાં ટેક્નિકલ ફૉલ્ટ આવવાને કારણે એકાદ કલાક સુધી હાડમારી વેઠવી પડી હતી. જોકે રવિવાર હોવાથી રેગ્યુલર નોકરિયાતોની સંખ્યા ઓછી હતી, પણ પરિવાર સાથે નીકળેલા લોકોની હાલત કફોડી થઈ હતી.
મેટ્રો દ્વારા આ બાબતે ટ્વીટ કરીને દિલગીરી વ્યક્ત કરાઈ હતી અને તેમના મેઇન્ટેનન્સ સ્ટાફ દ્વારા વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવાયું હતું. રાતે ૯.૦૯ વાગ્યે ફરી ટ્રેનો રાબેતા મુજબ ચાલુ થઈ હોવાનો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો હતો.
આ બાબતે મેટ્રોમાં પ્રવાસ કરી રહેલા અનેક લોકોએ સોશ્યલ મીડિયા પર રોષ ઠાલવ્યો હતો. આનંદનગર સ્ટેશન પર ગુંદવલી જતી ટ્રેન ૪૫ મિનિટ સુધી રોકાઈ હતી અને પછી એ કૅન્સલ કરવામાં આવી હતી. એક પ્રવાસીએ કહ્યું હતું કે તે કાંદિવલીમાં ફસાઈ ગયો હતો, પણ તેણે ડિમાન્ડ કરતાં તેને રિફન્ડ આપી દેવામાં આવ્યું હતું. અન્ય એક પ્રવાસીએ કહ્યું હતું કે અંધેરી સ્ટેશન પર પહેલાં તો ૪૫ મિનિટ સુધી કોઈ ટ્રેન જ નહોતી આવી. એ પછી પણ એ દરેક સ્ટેશને ૧૦-૧૦ મિનિટ ઊભી રહેતી-રહેતી આગળ જઈ રહી હતી.