૧૦૦ કરોડ...

05 October, 2022 09:50 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મેટ્રો લાઇન્સ ૭ અને ટૂ-એ પ્રથમ વર્ષે ટિકિટ ભાડાં સિવાયની આટલા કરોડની આવક એક જ વર્ષમાં રળી લેવાની દિશામાં આગળ વધી રહી છે : આ આવકને લીધે ટિકિટ ભાડાંને પણ નિયંત્રણમાં રાખી શકાય છે.

મેટ્રો સંકુલની જગ્યા ખાનગી કંપનીઓને ભાડાપેટે આપવાની કમાણીનો પણ સમાવેશ છે

ભાડા ઉપરાંત અન્ય સ્રોતો થકી આવક રળવાની મહા મુંબઈ મેટ્રો ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડ (એમએમએમઓસીએલ)ની યોજના સફળ થઈ રહી જણાય છે, કારણ કે દહિસરથી આરે કૉલોની અને દહાણુકરવાડી સુધીની નવી મેટ્રો લાઇન્સ વર્ષમાં ૧૦૦ કરોડની આવક રળવા તરફ આગેકૂચ કરી રહી છે. મહત્ત્વની વાત એ છે કે આમાં ટિકિટ ભાડાંની આવક સામેલ નથી. આ આવક કૉર્પોરેશનને ભાડું નીચું રાખવામાં મદદરૂપ નીવડશે. એને પરિણામે નાગરિકો માટે જાહેર પરિવહન સુલભ રહેશે.

મુંબઈ મેટ્રો રેડ લાઇન ૭ અને મુંબઈ મેટ્રો યલો લાઇન ટૂ-એના હાલના સ્ટ્રેચ પ્રથમ નાણાકીય વર્ષમાં આ સિદ્ધિ હાંસલ કરનારી દેશની પ્રથમ સ્મૉલ રૂટ મેટ્રો લાઇન્સ બની છે એમ એમએમએમઓસીએલના એક અધિકારીએ જણાવ્યું હતું.

હાલમાં ત્રણ કિલોમીટરનું લઘુતમ ભાડું દસ રૂપિયા છે અને મહત્તમ ભાડું ૩૦ કિલોમીટર માટે ૫૦ રૂપિયા છે. અત્યારે આરે કૉલોનીથી દહિસર અને દહાણુકરવાડી સુધીની આ બે લાઇન પર ૧૮ સ્ટેશનો કાર્યરત છે.

મેટ્રોપૉલિટન કમિશનર એસ. વી. આર. શ્રીનિવાસે જણાવ્યું હતું કે ‘ભાડા સિવાયના સ્રોતો થકી થતી આવક વધારવાથી ભાડું અંકુશમાં રાખી શકાય છે અને પૅસેન્જરો માટે મુસાફરી વધુ અફૉર્ડેબલ બને છે. આને કારણે લોકો ખાનગીમાંથી જાહેર પરિવહન તરફ વળે છે જે ટ્રાફિકની ગીચતા દૂર કરવા માટે, વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે અને શહેરને રહેવાલાયક બનાવવા માટે જરૂરી છે.’ 

ઉલ્લેખનીય છે કે રીટેલ, ફૂડ ઍન્ડ બેવરેજીઝ, એટીએમ માટેની જગ્યા ભાડાપેટે આપીને, સ્ટેશન અને ટ્રેનમાં ઍડ્વર્ટાઇઝિંગના હક આપીને અને સ્ટેશન પર ટેલિકૉમ ટાવરના હક આપીને ભાડા સિવાયની આવક ઊભી કરવામાં આવે છે. આ સિવાય કામ સિવાયના અને નૉન-પીક-અવર્સમાં ફિલ્મ, ટીવી તથા જાહેરાતોનાં શૂટિંગ્સ માટે પણ મેટ્રો સ્ટેશન્સ અને ડેપો ફાળવવામાં આવે છે. સ્ટેશનના બ્રૅન્ડિંગ, ઑપ્ટિક ફાઇબર કેબલ રાઇટ્સ, પિલર ટેલિકૉમ રાઇટ્સ, પિલર ઍડ્વર્ટાઇઝિંગ રાઇટ્સ વગેરે દ્વારા આવક ઊભી કરવાની યોજના પણ ચાલી રહી છે.

વિદ્યાવિહાર બ્રિજ

વિદ્યાવિહારમાં રોડ ઓવરબ્રિજ માટેના સ્ટીલના વિરાટ ગર્ડર્સ ઝડપથી તૈયાર થઈ રહ્યા છે અને ઍસેમ્બ્લિંગની કામગીરી ટૂંક સમયમાં પૂરી થઈ જશે. એક વખત ગર્ડર ગોઠવાઈ ગયા પછી રોડ ઓવરબ્રિજ પૂરો કરવાનું કામ પૂરું કરાશે. આ કામગીરીનું ‘મિડ-ડે’ સતત ફૉલો-અપ કરી રહ્યું છે અને કામગીરી માટે પશ્ચિમ તરફની બુકિંગ ઑફિસ કેવી રીતે ધ્વસ્ત કરી દેવાઈ હતી એનો અહેવાલ પણ આપ્યો હતો. આ પૂર્વ તરફ આર. એન. ગાંધી સ્કૂલથી પશ્ચિમ તરફ રામદેવ પીર માર્ગ સુધીનો ટૂ-લેન બ્રિજ છે. એક વખત બ્રિજ તૈયાર થઈ ગયા પછી વિદ્યાવિહાર-ઈસ્ટ અને એલબીએસ રોડ વચ્ચેનું અંતર ઘટી જશે.

mumbai mumbai news mumbai metro rajendra aklekar