મિડ-ડે ઇમ્પૅક્ટ: દહાણુના કોસેસરીમાં બ્રિજ જલદી બનશે

25 June, 2021 10:22 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

‘મિડ-ડે’ના અહેવાલને પગલે આ વિશે નિર્ણય લેવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક મળશે

કોસેસરી ગામમાં સ્કૂલના વિદ્યાર્થીઓ સૂર્યા નદીનું આશરે ૬૦૦ મીટરનું અંતર જીવના જોખમે કાપતા

પાલઘર જિલ્લાના દહાણુમાં આવેલા કોસેસરી ગામમાં સ્કૂલના વિદ્યાર્થીઓ સૂર્યા નદીનું આશરે ૬૦૦ મીટરનું અંતર જીવના જોખમે કાપતા હોવાનો અહેવાલ ‘મિડ-ડે’માં આવ્યા બાદ પ્રશાસન સફાળું જાગ્યું છે અને ગામવાસીઓની ૨૧ વર્ષ જૂની ‌બ્રિજ બનાવવાની માગણી પર ગંભીરતાથી વિચારીને નિવેડો લાવવાનું નક્કી કર્યું છે. આગામી દિવસોમાં આ મુદ્દા પર જિલ્લા પ્રશાસન તરફથી ઉચ્ચ સ્તરની બેઠક યોજવામાં આવશે.

ગામમાં એક પણ સ્કૂલ ન હોવાથી બાળકોએ લાકડાની હલેસા વગરની બોટમાં દોરડાનો ઉપયોગ કરીને એક છેડેથી બીજે છેડે ભણવા માટે પહોંચવું પડે છે. છેલ્લાં લગભગ ૨૧ વર્ષથી આ ગામના સ્થાનિક લોકો અહીં બ્રિજ બનાવવાની માગણી કરી રહ્યા છે. આ વિશે જિલ્લા પરિષદે મૂકેલો પ્રસ્તાવ ધૂળ ખાઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ જીવ મુઠ્ઠીમાં લઈને ભણતર

આ વિશે દહાણુનાં સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ અસીમા મિત્તલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘બ્રિજ ન હોવાથી લોકોને સમસ્યા થઈ રહી છે એ બાબત અમારા ધ્યાનમાં આવી છે. લોકોની સુવિધા માટે અહીં બ્રિજ બંધાય એ માટે આગામી અઠવાડિયે અધિકારીઓ સાથે મળીને વિશેષ બેઠક લેવામાં આવશે. ઉપલ્બધ ફન્ડ્સમાંથી બ્રિજ માટે કેવી રીતે ફન્ડ અલોકેટ કરવું એ વિશે ચર્ચા કરવામાં આવશે. લોકોને એક કિનારેથી બીજા કિનારે જવા માટે કનેક્ટિવિટી હોવી ખૂબ જરૂરી છે.’

mumbai mumbai news dahanu preeti khuman-thakur