ઇંગ્લૅન્ડથી આવ્યો હતો લગ્ન કરવા અટવાઈ ગયો છે મુંબઈમાં

19 March, 2026 06:46 AM IST  |  Mumbai | Darshini Vashi

હર્ષ દેસાઈ લગ્ન બાદ ૪ માર્ચે સજોડે પાછો જવાનો હતો, પરંતુ ફ્લાઇટ કૅન્સલ થવાને પગલે જઈ નથી શક્યો. હવે ત્રણ ગણા ભાવમાં ૨૧ માર્ચની બે ટિકિટ બુક કરાવી છે, પણ ઊપડશે કે નહીં એ તો રામ જાણે

ગેટવે ઑફ ઇન્ડિયા પર પત્ની સાથે હર્ષ દેસાઈ.

મિડલ ઈસ્ટની સ્થિતિ હજી થાળે પડી ન હોવાથી વૈશ્વિક સ્તરે ઍરલાઇન્સનું કામકાજ હજી ખોરવાયેલું છે એને લીધે છેલ્લા ૧૭-૧૮ દિવસથી હવાઈ પ્રવાસ કરનારા લાખો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પૈસાનું પાણી તો થઈ જ રહ્યું છે અને સાથે ભારે હાલાકી પણ વેઠવી પડી રહી છે. મૂળ મુંબઈનો પરંતુ કામકાજ અર્થે ઇંગ્લૅન્ડ શિફ્ટ થયેલો હર્ષ દેસાઈ લગ્ન માટે ફેબ્રુઆરીમાં મુંબઈ આવ્યો હતો અને લગ્ન બાદ તે પત્ની સાથે ઇંગ્લૅન્ડ પાછો જવાનો હતો, પરંતુ વૈશ્વિક તનાવને લીધે ફ્લાઇટ કૅન્સલ થતાં બન્ને મુંબઈમાં અટકી ગયાં છે.

ફ્લાઇટ કૅન્સલેશનને લીધે હાલમાં મુંબઈમાં પોતાનાં ભાઈ-ભાભી અને પેરન્ટ્સ પાસે રહેતા હર્ષ દેસાઈએ કહ્યું હતું કે ‘મારી ફૅમિલી મુંબઈમાં રહે છે. હું પણ પહેલાં મુંબઈમાં જ હતો પરંતુ મને ઇંગ્લૅન્ડમાં જૉબ મળી જતાં હું થોડાં વર્ષ પહેલાં ત્યાં શિફ્ટ થઈ ગયો હતો. ફ્રેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં મારાં લગ્ન હોવાથી હું ઑફિસમાંથી રજા લઈને મુંબઈ આવ્યો હતો. લગ્ન બાદ હું અને મારી વાઇફ ઇંગ્લૅન્ડ જવાનાં હતાં, પરંતુ ઈરાન-ઇઝરાયલ વચ્ચે વૉર શરૂ થઈ જતાં અમારો ઇંગ્લૅન્ડ પાછાં જવાનો પ્લાન અટવાઈ ગયો છે. વૈશ્વિક સ્તરે વાતાવરણ એકદમ અનિશ્ચિત બની ગયું છે જેને લીધે ઇનબાઉન્ડ જ નહીં, આઉટબાઉન્ડ ફ્લાઇટ પર પણ અસર પડી છે. મેં મુંબઈ આવવાની સાથે રિટર્ન જવા માટેની ફ્લાઇટ પણ બુક કરાવી હતી. અમારી ૪ માર્ચની ફ્લાઇટ હતી. અમે ઇન્ડિગોની ફ્લાઇટ થકી મુંબઈથી લંડન જવાનાં હતાં. લંડનના હીથ્રો સુધીની અમારી ડાયરેક્ટ ફ્લાઇટ હતી. મિડલ ઈસ્ટમાં જે દૃશ્ય જોવા મળી રહ્યાં હતાં એના પરથી મને અંદાજ હતો કે મારી ફ્લાઇટને પણ કદાચ અસર થઈ શકે છે, ફ્લાઇટ કદાચ મોડી ઊપડી શકે છે પરંતુ એવો અંદાજ નહોતો કે ફ્લાઇટ જ કૅન્સલ થઈ જશે. ૩ માર્ચે મને બપોરે મેસેજ આવ્યો કે તમારી ફ્લાઇટ કૅન્સલ થઈ છે. તેમણે અમને પ્લાન Bનો વિકલ્પ આપ્યો હતો કે તમે ઍરલાઇનની અન્ય કોઈ ફ્લાઇટ બુક કરાવી શકો છો પરંતુ અમે જ્યારે ઍરલાઇનની વેબસાઇટ ખોલી ત્યારે અમને એ દિવસ માટેની અન્ય કોઈ ફ્લાઇટ સિલેક્ટ કરવાનો ઑપ્શન જ દેખાતો નહાતો. મેં બે દિવસ સુધી ટ્રાય કરી. નૉર્મલી તમને વેબસાઇટ પર આગળના દિવસોની ફ્લાઇટનાં ચાર્ટ દેખાતાં હોય છે પણ મને તો એ પણ નહોતાં દેખાઈ રહ્યાં એટલે પછી મેં રીફન્ડ માટેની ઍપ્લિકેશન નાખી.’

ભાવ વધી ગયા

હર્ષ દેસાઈએ કહ્યું હતું કે ‘જેવો મેસેજ આવ્યો એટલે મેં તરત બીજી ફ્લાઇટ શોધવા માંડી, પણ સ્ક્રીન પર કોઈ ફ્લાઇટ દેખાતી નહોતી. ૯ તારીખ પછી મને સ્ક્રીન પર ડાયરેક્ટ ફ્લાઇટ દેખાવાની શરૂ થઈ હતી. હું જ્યારે એ બુક કરવા ગયો ત્યારે ટિકિટના ભાવ જોઈને હું અવાચક થઈ ગયો. ડાયરેક્ટ ફ્લાઇટની ટિકિટના ભાવ ચારથી પાંચ ગણા વધી ગયા હતા. મારે તો બે ટિકિટ બુક કરાવવાની હતી એટલે હિસાબ લાખોમાં આવી જાય એમ હતું એટલે મેં લે-ઓવર સાથેની ફ્લાઇટ બુક કરી છે અને એ પણ મને લગભગ બે ગણી મોંઘી પડી છે. એ સિવાય મને અગાઉની ફ્લાઇટની કૅન્સલ કરેલી ટિકિટના પૈસા પણ રીફન્ડ મળ્યા નથી. નૉર્મલી ફ્લાઇટ કૅન્સલ કરીએ એના પાંચ દિવસની અંદર રીફન્ડ જનરેટ થવાનો મેસેજ આવી જાય છે પરંતુ આ વખતે દરેક ઍરલાઇનની મોટા ભાગની ફ્લાઇટ કૅન્સલ થઈ રહી છે જેને લીધે અમાઉન્ટ રીફન્ડ આવવામાં ખાસ્સો સમય જશે એવું મને લાગે છે. એટલે હાલમાં તો મારે ત્રણ ગણા પૈસા ચૂકવીને ઇંગ્લૅન્ડ પહોંચવું પડશે. જોકે મારી પાસે બીજો કોઈ ઑપ્શન જ નથી. ઇંગ્લૅન્ડ પહોંચીને કામે લાગવાનું છે એટલે પાછા તો જવું જ પડશે. હવે મારી આગામી ફ્લાઇટ ૨૧ માર્ચની છે જે અત્યાર સુધી તો કન્ફર્મ છે, પછી ખબર નહીં. લે-ઓવર ફ્લાઇટ છે એટલે કલાકો પણ વધુ જશે. મારું લે-ઓવર દુબઈમાં છે. જાણું છું કે મિડલ ઈસ્ટમાં પરિસ્થિતિ થાળે પડી નથી, પરંતુ જો તમારે યુરોપ જવું હોય તો લે-ઓવર દુબઈનું જ આવે છે. હું ઇંગ્લૅન્ડમાં જૉબ કરું છું અને અમેરિકન-બેઝ્‍ડ કંપનીમાં કામ કરું છું. મારે નિયત કરેલી તારીખે પહોંચીને જૉબ રિઝ્‍યુમ કરવાની હતી પરંતુ ફ્લાઇટ જ કૅન્સલ થઈ જવાથી બધો પ્લાન ફેરવાઈ ગયો છે. જોકે મારી કંપનીએ મને આ બાબતે ઘણો સપોર્ટ કર્યો છે અને મને મુંબઈથી વર્ક ફ્રૉમ હોમ કરવાની પરમિશન આપી છે એટલે થોડી રાહત છે તેમ જ મુંબઈમાં પણ ઘર હોવાથી બીજી કોઈ તકલીફ નથી.’

mumbai news mumbai england middle east crisis israel iran united states of america gujarati community news gujaratis of mumbai