દુબઈમાં શાંતિ હતી, પરંતુ ટીવી-ચૅનલોએ અમારી માનસિક શાંતિ હણી લીધી હતી

06 March, 2026 07:06 AM IST  |  Mumbai | Rohit Parikh

બોરીવલીના રેડીમેડ ગાર્મેન્ટ્સના મૅન્યુફૅક્ચરર રાજેશ ગાલા અને તેમનાં પત્ની દીપા ગાલા આખરે બૅક ટુ હોમ : પાંચ દિવસ માણેલી રજા જાણે યુદ્ધને કારણે સજામાં પરિવર્તિત થઈ ગઈ હતી

દુબઈથી મુંબઈ ઍરપોર્ટ પર ખુશમિજાજમાં પાછા ફરેલા મુંબઈનાં રાજેશ ગાલા અને તેમનાં પત્ની દીપા ગાલા.

એમાં કોઈ શંકા નથી કે અત્યારે અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે દુબઈ શહેરમાં કોઈ જ મુસીબત નથી, પરંતુ આ યુદ્ધને કારણે દુબઈની ઍરસ્પેસ બંધ થવાથી મુંબઈથી દુબઈ ફરવા ગયેલા મુંબઈના રેડીમેડ ગાર્મેન્ટ્સના મૅન્યુફૅક્ચરર રાજેશ ગાલા અને તેમનાં બાવન વર્ષનાં પત્ની દીપા ગાલા માટે દુબઈની રજાની મજા સજા બની ગઈ હતી. આ દંપતી ૨૮ ફેબ્રુઆરીએ રાત સુધીમાં દુબઈથી મુંબઈ પાછું ફરવાનું હતું. એને બદલે છેક ગઈ કાલે મોડી રાતે તેઓ મુંબઈ છત્રપતિ શિવાજી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર પહોંચ્યા હતા. આ દંપતીએ કહ્યું હતું કે ‘પાંચ દિવસ દુબઈમાં સાઇટ સીનની મોજ માણ્યા પછી બુધવારે દુબઈથી મુંબઈ આવવા ફ્લાઇટ રવાના ન થઈ ત્યાં સુધી પળ-પળ માનસિક તાણ વચ્ચે અમારે ગુજારવી પડી હતી. દુબઈ શહેરમાં તો શાંતિ હતી, પણ ભારતીય ટીવી-ચૅનલોએ અમારી માનસિક શાંતિ હણી લીધી હતી.’ 

મૂળ કચ્છના વડાલા ગામનાં અને બોરીવલીમાં રહેતાં કચ્છી વીસા ઓસવાળ સ્થાનકવાસી જૈન રાજેશ ગાલા અને દીપા ગાલા પાંચ દિવસ માટે ૨૩ ફેબ્રુઆરીએ સવારે નીકળીને દુબઈ ફરવા ગયાં હતાં. તેમની ૨૮ ફેબ્રુઆરીની મુંબઈ પાછા ફરવાની ઍર-ટિકિટ હતી. જોકે અચાનક મિડલ ઈસ્ટમાં યુદ્ધ ફાટી નીકળતાં ઍર ઇન્ડિયાએ ફ્લાઇટ કૅન્સલ કરી હતી. આ બાબતની માહિતી આપતાં ૫૩ વર્ષના રાજેશ ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી દીકરીઓ મુંબઈમાં બેસીને સતત ઍરલાઇન્સના મેઇલ જોઈ-જોઈને અમારી ઍર-ટિકિટ વારંવાર રીશેડ્યુલ કરાવી રહી હતી. શનિવારે બપોરથી જ દુબઈનું ઍરપોર્ટ બંધ થવાને કારણે ઍર ઇન્ડિયાની ફ્લાઇટ અમે નીકળ્યા ત્યાં સુધી કૅન્સલ જ થતી રહી હતી. યુદ્ધની પરિસ્થિતિમાં દુબઈ સરકારના આદેશ પ્રમાણે અમારે હોટેલમાં જ રહેવું પડ્યું હતું. ત્યાં ટીવીમાં ભારતીય ચૅનલો પર સતત યુદ્ધના અને દુબઈ પર ઈરાનના મિસાઇલ તેમ જ ડ્રોન હુમલાના સમાચારો સાંભળી-સાંભળીને અમારા મન પર મોતના ભણકારા વાગી રહ્યા હતા. હોટેલ તરફથી અમને સકારાત્મક સમાચારો અને દુબઈ સુરક્ષિત છે એવા સમાચાર મળતા હતા અને જેવા અમે અમારી રૂમમાં ટીવીની સામે બેસીએ ત્યાં નકારાત્મક ખ્યાલોમાં ડૂબી જતા હતા. એ સમયે હવે જલદીથી કેવી રીતે, કેમ કરીને દુબઈમાંથી બહાર નીકળીએ અને બોરીવલીના ઘરે પહોંચીને બન્ને દીકરીઓની સાથે ફરી જીવનનો આનંદ માણીએ એવા વિચારોમાં ગરકાવ થઈ જતા હતા. બન્ને દીકરીઓ પણ અમારી જેમ જ ટીવી પર સમાચાર સાંભળીને પળે-પળે વૉટસઍપ કૉલ અથવા મેસેજથી અમારા સમાચાર મેળવતી હતી. અમે તેમને કહેતા રહેતા હતા કે અમે દુબઈ શહેરની હોટેલમાં છીએ, અહીં કોઈ ટેન્શન નથી, તમે પણ ટેન્શનમાં ન રહો.’

રાજેશ ગાલાએ કહ્યું હતું કે ‘અમે કોઈ પણ સંજોગોમાં જેમ બને એમ જલદી મુંબઈ પહોંચવાના ઇરાદા સાથે ભારતીય એમ્બેસી, હોટેલના મૅનેજમેન્ટ અને અન્ય સંસ્થાઓના સંપર્કમાં રહીને દુબઈ ઍરપોર્ટ ઓપન થયું કે નહીં એની તપાસ કરી રહ્યા હતા. અમને અચાનક બુધવારે સવારે દુબઈ ઍરપોર્ટ મર્યાદિત ફ્લાઇટો માટે ઓપન થયું હોવાના સમાચાર મળ્યા હતા. અમે સમયનો સહેજ પણ વ્યય કર્યા વગર ભારતીય એમ્બેસીના સાથસહકારથી અમારી એમિરેટ્સ ફ્લાઇટની ટિકિટો બુક કરાવી લીધી હતી. અમે હવે ફક્ત પરિવારને મળવાના મૂડમાં આવી ગયા હતા, જેને કારણે આર્થિક નુકસાની ભૂલીને ઍર ઇન્ડિયાની ટિકિટો રહેવા દઈને મોંઘી હોવા છતાં એમિરેટ્સની ફ્લાઇટની ટિકિટ બુક કરાવી લીધી હતી.’ 

બોરીવલી ઘરે પહોંચ્યા ત્યારે બન્ને દીકરીઓ અમારી રાહ જોઈને બેઠી હતી એમ જણાવતાં રાજેશ ગાલાએ કહ્યું હતું કે ‘તેઓ હરખનાં આંસુ સાથે અમને ભેટી પડી હતી. અમને પણ પાંચ દિવસની માનસિક યાતનામાંથી મુક્ત થયાનો આનંદ હતો. ખુશીના હાશકારા સાથે અમે પણ ઘરે પહોંચીને ભગવાનનો પાડ માન્યો હતો અને વિશ્વશાંતિની પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી.`

mumbai news mumbai borivali middle east crisis iran israel united states of america gujarati community news gujaratis of mumbai jain community kutchi community dubai