દૂધવાળાઓએ લેવું પડશે FSSAIનું લાઇસન્સ

15 March, 2026 07:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રજિસ્ટ્રેશન કર્યા વિના કોઈ પણ વ્યક્તિ દૂધનું વેચાણ નહીં કરી શકે

પ્રતીકાત્મક તસવીર

દૂધ અને ડેરીનાં ઉત્પાદનોમાં વધતી જતી ભેળસેળને કારણે ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ કડક વલણ અપનાવીને દૂધઉત્પાદનોના વેચાણ માટે લાઇસન્સિંગ ફરજિયાત બનાવ્યું છે. ભેળસેળની ફરિયાદો વચ્ચે FSSAIએ આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે ડેરી સહકારી મંડળીઓના સભ્યો સિવાયના તમામ દૂધઉત્પાદકો અને દૂધ વેચનારાઓએ તેમના વ્યવસાયો ચલાવવા માટે FSSAIમાં રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર પડશે.

FSSAIએ આ સંદર્ભમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ફૂડ-કમિશનરોને એક ઍડ્વાઇઝરી જાહેર કરી છે. એમાં જણાવવામાં આવ્યું છે કે દૂધઉત્પાદકો અને દૂધવિક્રેતાઓ જે ડેરી સહકારી મંડળીઓના સભ્ય નથી તેમણે ખાદ્ય વ્યવસાય ચલાવવા માટે ફરજિયાત રજિસ્ટ્રેશન અથવા લાઇસન્સ મેળવવું આવશ્યક છે. ઘણા દૂધઉત્પાદકો (જેઓ ડેરી સહકારી મંડળીઓના સભ્યો નથી) અને દૂધવિક્રેતાઓ એવા છે જેઓ રજિસ્ટ્રેશન અથવા લાઇસન્સ વિના કામ કરે છે.

mumbai news mumbai maharashtra government maharashtra news indian food food and drink