મુંબઈ ઍરપોર્ટ પર કરોડો રૂપિયાના આઇફોન સ્મગલિંગનું રૅકેટ પકડાયું

29 November, 2021 12:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડીઆરઆઇએ હૉન્ગકૉન્ગથી મુંબઈ લવાયેલાં બે કન્સાઇનમેન્ટમાંથી ૪૨.૮૬ કરોડ રૂપિયાના ૩૬૪૬ આઇફોન જપ્ત કર્યા. એમાં મેમરી કાર્ડ પણ હતાં

ડીઆરઆઇએ જપ્ત કરેલા સિમ કાર્ડના કન્સાઇનમેન્ટમાં છુપાવીને સ્મગલિંગ કરાયેલા આઇફોન.

ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરના ઍર કાર્ગો કૉમ્પ્લેક્સમાં હૉન્ગકૉન્ગથી બે દિવસ પહેલાં આવેલાં બે કન્સાઇનમેન્ટમાં મોટી સંખ્યામાં આઇફોન છુપાવીને લવાયા હોવાની ટીપને આધારે દરોડો પાડતાં ૪૨.૮૬ કરોડ રૂપિયાની કિંમતના ૩૬૪૬ આઇફોન મળી આવ્યા હતા. કન્સાઇનમેન્ટના ડૉક્યુમેન્ટ્સની ચકાસણી કરતાં એમાં મેમરી કાર્ડ હોવાનું ડિકલેર કરાયું હતું. જોકે ડીઆરઆઇની ટીમે તપાસ કરતાં સિમ કાર્ડને બદલે આઇફોન મળી આવ્યા હતા.
ડીઆરઆઇએ જપ્ત કરેલાં કન્સાઇનમેન્ટમાંથી આઇફોન ૧૩ પ્રો મૉડલના ૨૨૪૫ અને આઇફોન ૧૩ પ્રો મૅક્સ મૉડલના ૧૪૦૧ પીસની સાથે ગૂગલ પિક્સેલ ૬ પ્રોના ૧૨ નંગ અને ૧ ઍપલ સ્માર્ટ વૉચ મળી આવી હતી.
ડીઆરઆઇ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ મુંબઈ ઍરપોર્ટ પરથી જપ્ત કરવામાં આવેલા કુલ ૩૬૪૬ આઇફોન-૧૩ મોબાઇલની કિંમત ૪૨.૮૬ કરોડ રૂપિયાની થાય છે. જોકે ઇમ્પોર્ટ કરનારાઓએ એની કિંમત ૮૦ લાખ ડિકલેર કરી હતી. એટલું જ નહીં, મેમરી કાર્ડને નામે ઇમ્પોર્ટ કરાયેલાં કન્સાઇનમેન્ટમાંથી આટલી મોટી સંખ્યામાં આઇફોન મળી આવ્યા હતા એનું કોઈ ડિકલેરેશન નહોતું કરાયું.
આઇફોન ૧૩ મૉડલના મોબાઇલનું ભારતમાં વેચાણ સપ્ટેમ્બર, ૨૦૨૧થી શરૂ કરાયું છે જેની કિંમત ૭૦,૦૦૦ છે. આ કંપનીના કેટલાક મોબાઇલની કિંમત ૧,૮૦,૦૦૦ રૂપિયા છે. ઇમ્પોર્ટ કરાતા આઇફોન મોબાઇલ પર ૪૪ ટકા કસ્ટમ્સ ડ્યુટી છે. આઇફોન સ્મગલિંગના આ કેસ પરથી જણાઈ આવે છે કે સ્મગલરો લેટેસ્ટ પ્રોડક્ટ માર્કેટમાં લૉન્ચ થયા બાદ કેટલી ઝડપથી તેમનું નેટવર્ક ઊભું કરી દે છે.
ભારતમાં આઇફોનના દરેક નવા મૉડલની ભારે ડિમાન્ડ રહે છે અને એના પર ભારે ઇમ્પોર્ટ ડ્યુટી હોવાથી એ ગ્રે માર્કેટમાં ગ્રાહકોને સસ્તામાં ઉપલબ્ધ કરાવી શકાય એ માટે એનું મોટા પ્રમાણમાં સ્માર્ટ કાર્ડ, મેમરી કાર્ડ કે બીજી ઇલેક્ટ્રૉનિક વસ્તુઓને નામે ભારતમાં ગેરકાયદે લાવવામાં આવતા હોવાનું ડીઆરઆઇની આ કાર્યવાહી પરથી જણાઈ આવે છે. આ દરોડાથી ગંભીર પ્રકારના ઇમ્પોર્ટ ફ્રોડનો પર્દાફાશ થયો છે.

Mumbai mumbai news