22 June, 2025 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના ડેવલપમેન્ટ પ્લાનમાં બગીચા અને મેદાન માટે અલાયદા રાખવામાં આવેલા પ્લૉટ પર ઝૂંપડપટ્ટીઓ વસી ગઈ છે. એ ઝૂંપડપટ્ટીઓને જ્યારે સ્લમ રીહૅબિલિટેશન ઑથોરિટી (SRA)ની સ્કીમ હેઠળ ડેવલપ કરવામાં આવે તો એમાંની ૩૫ ટકા જમીન ફરી પાછી બગીચા અને મેદાન માટે રિઝર્વ રાખવી એવો આદેશ બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે રાજ્ય સરકાર, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અને SRAને આપ્યો છે. આ રહ્યા હાઈ કોર્ટે આપેલા પાંચ મહત્ત્વના નિર્દેશ...
બગીચા અને મેદાન માટે ફાળવેલી જમીન એ રીડેવલપ થનારા મકાનના રહેવાસીઓ માટે જ નહીં, બધા નાગરિકો માટે ખુલ્લી રહેશે.
પ્રોજેક્ટ પૂરો થાય એટલે એ જમીન BMC અથવા સંબંધિત ઑથોરિટીને ટ્રાન્સફર કરવી. કોઈ પણ પરિસ્થિતિમાં એ કૉર્ડન કરવી નહીં અને લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો નહીં.
પ્રોજેક્ટના સૅન્ક્શન કરેલા પ્લાનમાં લેટર ઑફ ઇન્ટેટ (LoI), કમેન્સમેન્ટ સર્ટિફિકેટ આપતી વખતે ૩૫ ટકા ઓપન જમીનનું રેખાંકન સ્પષ્ટ હોવું જરૂરી છે અને એ જ જગ્યા ફાળવવામાં આવે એ પણ જરૂરી છે, અન્યથા મંજૂરી આપવી નહીં.
આ જોગવાઈનું બરાબર પાલન થાય એના પર ધ્યાન રાખવા માટે રાજ્ય સરકાર અને SRAએ એક અધિકારીની નિમણૂક કરવી.
પ્રોજેક્ટમાં બતાવ્યા પ્રમાણે બગીચા, મેદાન અને પાર્ક તૈયાર થઈ રહ્યાં છે કે નહીં, એ લોકો માટે ખુલ્લાં મુકાયાં છે કે નહીં એનો અહેવાલ દર ત્રણ મહિને સમિતિએ અથવા અધિકારીએ સરકારને અને ઑથોરિટીને આપવાનો રહેશે.