કૉન્ગ્રેસ-ઉદ્ધવસેનાના દાવાને ફગાવીને શિવસેનાના નેતા ઉદય સામંતે કહ્યું કે વિરોધ પક્ષોનું આ રાજકીય બા‌લિશપણું છે

21 January, 2025 02:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એકનાથ શિંદે મુખ્ય પ્રધાનપદ માટે જીદ પકડીને બેઠા હતા ત્યારે તેમના જ પક્ષના નેતા ૨૦ વિધાનસભ્યો BJP સાથે સરકાર બનાવવાની તૈયારીમાં હતા?

ઉદય સામંત

કૉન્ગ્રેસના નેતા વિજય વડેટ્ટીવાર અને ઉદ્ધવસેનાના રાજ્યસભાના સંસદસભ્ય અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે ગઈ કાલે દાવો કર્યો હતો કે ‘દેવેન્દ્ર ફડણવીસની મુખ્ય પ્રધાન તરીકેની શપથવિધિ પહેલાં એકનાથ શિંદે જૂથમાં ફૂટ પડવાની હતી. ઉદય સામંત ૨૦ વિધાનસભ્યો સાથે એકનાથ શિંદેથી છૂટા પડવાના હતા એટલું જ નહીં, મહાયુતિની સરકાર બનવાની હતી ત્યારે એકનાથ શિંદે મુખ્ય પ્રધાનપદ માટે જીદ કરતા હતા એટલે BJPએ ઉદય સામંત સાથે મળીને સરકાર બનાવવાનો પ્લાન કર્યો હતો.’

જોકે કૉન્ગ્રેસ અને ઉદ્ધવસેનાના નેતાના દાવાને ફગાવતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે દાવોસ વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં ભાગ લેવા ગયેલા ઉદય સામંતે કહ્યું હતું કે ‘સંજય રાઉતનો આ દાવો રાજકીય બાલિશપણું છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને અમારા પક્ષના અધ્યક્ષ એકનાથ શિંદેએ બળવો કર્યો હતો ત્યારે હું તેમની સાથે હતો. આ જ કારણસર મને રાજ્યમાં બે વખત ઉદ્યોગપ્રધાનનું પદ મળ્યું હતું એ હું જાણું છું. એકનાથ શિંદેએ મારા રાજકીય જીવનના ઘડતરમાં જે પ્રયત્ન કર્યા છે એને હું ક્યારેય ભૂલી ન શકું. મારો અને એકનાથ શિંદેસાહેબનો સંબંધ રાજકારણ કરતાં ઘણો ઘનિષ્ઠ છે. આથી અમારા બન્ને વચ્ચે કોઈ વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કરશે એમાં સફળતા નહીં મળે. વિજય વડેટ્ટીવારે બે સામાન્ય કુટુંબના લોકોમાં વિખવાદ કરાવવાનું કાવતરું ન કરવું જોઈએ, કારણ કે તેમણે BJPમાં સામેલ થવા માટે દેવેન્દ્ર ફડણવીસ સાથે કેટલી મીટિંગ કરી હતી એની પૂરી માહિતી મારી પાસે છે.’

eknath shinde shiv sena bharatiya janata party mumbai mumbai news maharashtra news