10 April, 2025 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મીરા-ભાઈંદર સુધરાઈના કર્મચારીઓએ ગઈ કાલે પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલી સહિતની વસ્તુઓ વેચનારાઓ સામે નામપૂરતી કાર્યવાહી કરી હતી.
મીરા-ભાઈંદરમાં પ્લાસ્ટિકની થેલીઓના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં અહીં ખુલ્લેઆમ દુકાન અને રસ્તામાં ઊભા રહીને વિવિધ પ્રકારનો સામાન વેચતા અને શાકભાજીવાળા પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરે છે અને મોટા ભાગના ગ્રાહકો પણ પ્લાસ્ટિકની થેલીનો આગ્રહ રાખે છે. પર્યાવરણપ્રેમીઓ પ્લાસ્ટિકની થેલીઓનું વેચાણ કરનારા અને હોલસેલમાં મોટા પાયે આવી થેલીઓનો સંગ્રહ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માગણી કરે છે ત્યારે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના અધિકારીઓ સફાળા જાગીને છૂટક કાર્યવાહી કરે છે. ગઈ કાલે સુધરાઈની ટીમે કેટલીક જગ્યાએ જઈને પ્લાસ્ટિકની થેલી, ડબ્બા, પ્લેટ્સ, ગ્લાસ વગેરેનું વેચાણ કરનારાઓ સામે કાર્યવાહી કરીને ૨૦,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો.
જોકે સ્થાનિક રહેવાસીઓ અને પર્યાવરણપ્રેમીઓનું કહેવું છે કે ‘મીરા-ભાઈંદરમાં હજારો કિલો પ્લાસ્ટિકની પ્રતિબંધિત વસ્તુઓનું ખુલ્લેઆમ વેચાણ થાય છે એની સામે વ્યાપક કાર્યવાહી કરવાને બદલે અમુક લોકોને દંડિત કરીને લોકોની આંખમાં ધૂળ નાખવામાં આવે છે. મીરા રોડ અને ભાઈંદરની હોલસેલની દુકાનોમાં દરરોજ મોટા પાયે પ્લાસ્ટિકની પ્રતિબંધિત વસ્તુઓ ઠલવાય છે એની સામે વ્યાપક કાર્યવાહી થાય તો જ પર્યાવરણનું રક્ષણ થશે અને લોકો પણ પ્લાસ્ટિકની થેલી માગવાનું બંધ કરશે.’