૧૯ લોકોનો જીવ લેનારી હોનારતમાં પાંચ જણનો થયો ચમત્કારિક બચાવ

29 June, 2022 07:25 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

કુર્લાની ગોઝારી ઘટનામાં ટેરેસના દાદરા પર બેસેલા પાંચ જણ તેમના પર કોઈ સ્લૅબ ન હોવાથી કાટમાળ પરથી કૂદકો મારીને બહાર આવ્યા. જોકે તેઓ પોતાના પરિવારજનોને બચાવવામાં સફળ ન રહ્યા

સોમવારે રાત્રે કુર્લાની મકાન હોનારતમાં પત્તાંના મહેલની જેમ નાઈકનગરની અેક વિંગ તૂટી પડી હતી. તસવીર: અતુલ કાંબળે

મુંબઈ : કુર્લા-ઈસ્ટના શિવસૃષ્ટિ વિસ્તારમાં આવેલી નાઈકનગર નામની ચાર માળની અંદાજે ૪૫ વર્ષ જૂની ઇમારતની એક વિંગ સોમવારે રાતે ૧૧.૪૫ વાગ્યાની આસપાસ તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં ૧૯ જણનાં મૃત્યુ થયાં છે, જ્યારે ૧૩ જણ ઘાયલ થયા છે. જે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું એમાં નેહરુનગરમાં ચાલી રહેલી રીડેવલપમેન્ટની એક સાઇટ પરના મજૂરો અને કામદારો હતા. મોટા ભાગે બધા ઉત્તર પ્રદેશના છે. તેઓ તેમના પરિવાર સાથે પાંચ દિવસ પહેલાં જ અહીં શિફ્ટ થયા હતા. એમાંના પાંચ લોકો ઘટના બની ત્યારે ટેરેસના દાદરા પર બેઠા હતા અને વાતો કરી રહ્યા હતા. બિલ્ડિંગ તૂટી પડ્યું ત્યારે મુખ્યત્વે અંદરથી બધા સ્લૅબ એક પછી એક નીચે પડતા ગયા અને જે રીતે લિફ્ટ ઉપરથી નીચે આવે એ રીતે આખું મકાન તૂટી પડ્યું હતું. આ લોકો ટૉપ પર હતા એટલે તેમના પર કોઈ સ્લૅબ નહોતો પડ્યો. આખું બિલ્ડિંગ નીચે પડ્યા બાદ આ લોકો ટૉપ પર હોવાથી બચી ગયા હતા. એ સ્થિર થયા બાદ તેમણે જીવ બચાવવા કાટમાળ પરથી નીચે કૂદકા માર્યા હતા. જોકે તેમનો જીવ તો બચી જ ગયો હતો, પણ તેમના પરિવારો આ હોનારતમાં મૃત્યુ પામ્યા હતા. 

mumbai mumbai news