મારી દીકરી સાથે જે થયું એવું આ બાળકી સાથે ન થાય

02 June, 2026 08:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિવાથી ગુમ થયેલી ૭ વર્ષની બાળકીને પોલીસે ૪૮ કલાકમાં શોધી એ પહેલાં તેને રક્ષણ આપ્યું એક ‘હીરો ડૅડી’એ, ભટકી ગયેલી બાળકીને અંબરનાથના પોતાના ઘરે શરણ આપતી વખતે તેણે વિચાર્યું કે...

થાણે પોલીસ દ્વારા યોજાયેલી પત્રકાર-પરિષદમાં ગુમ થયેલી બાળકી પણ હાજર હતી.

થાણે જિલ્લાના દિવામાંથી ૨૮ મેએ ગુમ થયેલી ૭ વર્ષની બાળકીને થાણે પોલીસે ફક્ત ૪૮ કલાકમાં શોધીને તેનો મેળાપ તેનાં મમ્મી-પપ્પા સાથે કરાવ્યો હતો. જોકે પોલીસની પ્રશંસનીય કામગીરીની સાથે-સાથે આ કેસમાં માણસાઈ પ્રત્યે વધુ વિશ્વાસ જગાવનારું પાસું સામે આવ્યું છે. ગુમ થયેલી બાળકીને પોતાના ઘરે લઈ જનારા એક પિતાને કારણે આજે તે સુર​િક્ષત છે એમ થાણે પોલીસ દ્વારા યોજાયેલી પત્રકાર-પરિષદમાં જણાવવામાં આવ્યું હતું.

પોલીસે આપેલી માહિતી મુજબ ‘બાળકી ગુમ થવાની ફરિયાદ મળ્યા બાદ ૨૮ મેની રાત્રે કુલ ૭ ટીમ બનાવીને તેની શોધ શરૂ કરવામાં આવી હતી. ૯૪૮ CCTV કૅમેરાનાં ફુટેજ તપાસતાં છેલ્લે તે અંબરનાથમાં એક વ્યક્તિ સાથે દેખાઈ હતી. તે વ્યક્તિ કોણ છે અને ક્યાં છે એની માહિતી ૩૧ મેએ રાત્રે ૧૨ વાગ્યે થતાં પોલીસની ટીમ એ લોકેશન પર પહોંચી હતી.’

લોકેશન મુજબ અંબરનાથમાં એક વ્યક્તિના ઘરે જતાં પોલીસને બાળકી હેમખેમ સ્થિતિમાં મળી હતી. તે વ્યક્તિની પૂછપરછ કરતાં જણાયું હતું કે તેને આ બાળકી ભટકી ગઈ હોય એવું જણાતાં તેના રક્ષણ માટે તેને ઘરે લઈ જવાઈ હતી. 

ગુમ થયેલી બાળકીને બચાવનાર એક દીકરીના પપ્પાએ પોલીસને કહ્યું હતું કે ‘મારી દીકરી ભૂતકાળમાં જાતીય અત્યાચારનો શિકાર બની હતી. આ બાળકી સાથે પણ એવું ન થાય એ વિચારીને હું તેને ઘરે લઈ આવ્યો હતો.’ 

તેણે રાતનો સમય હોવાથી બીજા દિવસે સવારે બાળકીને પોલીસને સોંપવાની તૈયારી કરી હતી, પણ એ પહેલાં પોલીસ તેના ઘરે પહોંચી હતી. 

mumbai news mumbai thane thane crime diva junction ambernath mumbai police