મોટરિસ્ટોને હાઇવે નહીં પહોંચાડે હાનિ

20 December, 2021 10:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એમએમઆરડીએએ બન્ને હાઇવે પર કારચાલકોની હેરાનગતિ દૂર કરવા એક પ્રસ્તાવ તૈયાર કર્યો

ફાઈલ તસવીર

મુંબઈગરાઓ માટે વરસાદની સીઝનમાં હાઇવે પર પ્રવાસ કરવો દુઃસ્વપ્ન સમાન હોય છે, કારણ કે હાઇવે પર પડતા અસંખ્ય ખાડાને કારણે તેમણે ભારે હાડમારી ભોગવવી પડતી હોય છે. ખાડાને કારણે તેમને શારીરિક તકલીફ પણ પડે છે, વાહનને પણ વધારે ઘસારો પહોંચે છે અને મુખ્ય વાત એ છે કે બધાં જ વાહનો ખાડાથી બચવા ધીમે ચાલતાં હોવાથી ભારે ટ્રાફિક જૅમ સરજાય છે. એના કારણે ઈંધણ અને સમય બન્ને વેડફાય છે. એમએમઆરડીએએ હવે મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે બન્નેને રીવૅમ્પ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એણે આ સંદર્ભે રિવાઇઝ અને રીવૅમ્પનો ડીટેલ્ડ પ્રોજેક્ટ-રિપોર્ટ બનાવવા કન્સલ્ટન્ટની નિમણૂક કરવા ટેન્ડર બહાર પાડ્યાં છે. 
દહિસરથી માહિમ સુધી લંબાયેલા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ ગુજરાતથી આવતાં વાહનો અને રોજેરોજ કામધંધા-નોકરી પર જવા માટે લાખો મુંબઈગરા કરે છે, જ્યારે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેનો નાશિક તરફથી આવતાં વાહનો અને થાણેથી મુંબઈ તરફ આવતા મુંબઈગરા રોજેરોજ ઉપયોગ કરે છે. આમ લાખો લોકો બન્ને હાઇવે પરથી રોજ પસાર થાય છે. 
ખાડા પડવાનું મુખ્ય કારણ રોડ પર જમા થતું પાણી હોય છે. એમએમઆરડીએનો પ્લાન છે કે હાઇવે પર પાણી ન ભરાઈ રહે એ માટે એની હેઠળ ટાંકીઓ બનાવવામાં આવે. આ ઉપરાંત હાઇવેને લાગીને સીસીટીવી કૅમેરા બેસાડવા અને ટ્રાફિક જૅમ કે ઍક્સિડન્ટની માહિતી વાહનચાલકોને આપવા સ્પીકર્સ બેસાડવામાં આવે. આ ઉપરાંત હાઇવેને વાઇ-ફાઇ સુવિધા પૂરી પાડવામાં આવે. 
વળી આ બન્ને હાઇવે પરથી ઍરપોર્ટ જવાતું હોય છે અને મુંબઈ આવતા અનેક વિદેશીઓ પણ એના પરથી જ પસાર થતા હોય છે. એથી બન્ને હાઇવેના બ્યુટિફિકેશનનો પ્લાન પણ એમએમઆરડીએએ બનાવ્યો છે.

mumbai mumbai news mumbai metropolitan region development authority eastern express highway western express highway