08 May, 2026 10:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વરલી-શિવડી કનેક્ટર સાઇટ પર સુરક્ષામાં બેદરકારીને કારણે ૧૯ વર્ષના શ્રમિકના મોતના મામલે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ કડક કાર્યવાહી કરી છે. પાંચમી મેએ રાતે ૧૨.૧૫ વાગ્યે ક્રેન દ્વારા લઈ જવાતી લોખંડની ફ્રેમ અથડાતાં એક શ્રમિકે જીવ ગુમાવ્યો હતો.
સેફ્ટી સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) મુજબ કૉન્ટ્રૅક્ટરો અને પ્રોજેક્ટ મૅનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સે સલામતીનાં ધોરણોનું કડક પાલન કરવું અને કોઈ પણ ગંભીર ઘટનાની તાત્કાલિક જાણ કરવી જરૂરી છે. આ નિયમનું પાલન કરવામાં કૉન્ટ્રૅક્ટર નિષ્ફળ ગયો હતો. તેથી MMRDAને અકસ્માતની જાણ કરવામાં ૨૦ કલાકનો વિલંબ અને સુરક્ષાના નિયમોનો ભંગ કરવા બદલ મુખ્ય કૉન્ટ્રૅક્ટર જે. કુમાર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સને એક કરોડ રૂપિયાનો અને કન્સલ્ટન્ટને પચીસ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માત સમયે સાઇટ પર સુપરવાઇઝર હાજર નહોતો, જે ગંભીર ક્ષતિ ગણાય છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.