26 March, 2025 08:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
D-Martમાં મનસે કાર્યકરોનો રાડો (તસવીર: મિડ-ડે)
મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા બોલવાનો મુદ્દો ફરી એક વખત ભડકવાનો શરૂ થશે એવું જણાઈ રહ્યું છે. કારણ કે તાજેતરમાં મુંબઈના વર્સોવામાં ડી-માર્ટના એક કર્મચારી પર રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના કાર્યકરોએ મરાઠીમાં બોલવાનો ઇનકાર કર્યા બાદ તેને માર માર્યો હતો. 25 માર્ચે બનેલી આ ઘટનાએ મરાઠીને લઈને એક નવા વિવાદને જન્મ આપ્યો છે. રાજ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટી મનસેના કાર્યકરોએ મુંબઈના એક અગ્રણી સુપરમાર્કેટ સ્ટોરના કર્મચારીને મરાઠીમાં ન બોલવા બદલ કથિત રીતે થપ્પડ મારી હતી. પોલીસે જણાવ્યું કે, આ ઘટના મંગળવારે 25 માર્ચના રોજ અંધેરી પશ્ચિમના વર્સોવામાં ડી-માર્ટ સ્ટોરમાં બની હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, સ્ટોર કર્મચારી એક ગ્રાહકને કહેતો સાંભળી શકાય છે, "હું મરાઠીમાં નહીં બોલીશ, હું ફક્ત હિન્દીમાં જ બોલીશ. તમારે જે કરવું હોય તે કરો." જ્યારે મનસેને કર્મચારીની ટિપ્પણી વિશે ખબર પડી, ત્યારે પાર્ટીના વર્સોવા એકમના પ્રમુખ સંદેશ દેસાઈના નેતૃત્વમાં કાર્યકરોનું એક જૂથ સ્ટોર પર પહોંચ્યું અને કર્મચારીને કથિત રીતે થપ્પડ મારી દીધી અને વિવાદ શરૂ થયો.
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ સામે આવ્યો છે. અથડામણ દરમિયાન, મનસે કાર્યકરોએ કર્મચારીને કથિત રીતે થપ્પડ મારી હતી. આ ઘટનાનો એક ફૂટેજ વાયરલ થયો છે, જેમાં પક્ષના કાર્યકરો કર્મચારીનો સામનો કરી રહ્યા છે અને તેમને પૂછી રહ્યા છે કે તે મુંબઈ ક્યારે આવ્યો. તેઓએ આગ્રહ કર્યો કે જો તે પોતાની નોકરી ટકાવી રાખવા માગતો હોય તો તેણે મરાઠી શીખવી જ જોઈએ. વિવાદ બાદ, કર્મચારીએ પોતાની ટિપ્પણી બદલ માફી માગી હોવાનું કહેવાય છે. અધિકારીઓએ સમાચાર એજન્સીને જણાવ્યું કે, સ્ટોર કર્મચારીએ બાદમાં તેના વર્તન બદલ માફી માગી હતી.
તાજેતરમાં જ આવી જ એક ઘટનામાં, મુલુંડમાં એક મરાઠી ભાષી પરિવાર સાથેના ઝઘડા બાદ મનસે કાર્યકરોએ ફાસ્ટ-ફૂડ સ્ટોલના કર્મચારી પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એક સ્ટોલ કર્મચારીએ માનસી મેગા નામની એક મહિલા અને તેની માતાનું અપમાન કર્યું, જેઓ બૅન્ક સંબંધિત કામકાજ માટે મુલુંડ આવી હતી. જ્યારે માનસીએ કર્મચારીના વર્તન પર સવાલ ઉઠાવ્યા, ત્યારે તે આક્રમક બન્યો અને તેની માતાને બાજુ પર ધકેલી દીધી.
માનસી અને તેની માતાએ મનસેના જનસંપર્ક કાર્યાલય પાસેથી મદદ માગી. આના થોડા સમય પછી, રાજ ઠાકરેની પાર્ટીના સભ્યોએ સ્ટોલ કામદાર પર હુમલો કર્યો. તેઓએ તેનો કોલર પકડી લીધો, તેને થપ્પડ મારી અને પછી તેને ખેંચીને બહાર કાઢ્યો. દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કરનાર અન્ય કર્મચારી પર પણ હુમલો કરવામાં આવ્યો.