2008ના રમખાણો કેસમાં રાજ ઠાકરે મુશ્કેલીમાં, કોર્ટની કાર્યવાહીનો સામનો કરવો પડશે?

11 December, 2025 09:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

MNS વડા અને તેમના પક્ષના કાર્યકરો પર આરોપ હતો કે તેમણે 2008માં રેલવે ભરતી બોર્ડની પરીક્ષા આપવા આવેલા બિહાર અને ઉત્તર પ્રદેશના ઉમેદવારોને નિશાન બનાવ્યા હતા. ઠાકરે અને MNS કાર્યકરો સામે કુલ 54 કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

રાજ ઠાકરે (ફાઇલ તસવીર)

મહારાષ્ટ્રમાં મુંબઈ મહાનગર પાલિકા ચૂંટણી (BMC Elections) ની જાહેરાત પહેલા, મનસેના વડા રાજ ઠાકરે માટે મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગુરુવારે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના વડા રાજ ઠાકરે 2008 ના રમખાણોના કેસમાં થાણે જિલ્લા કોર્ટમાં હાજર થયા હતા, જય તેમણે મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાને નિર્દોષ જાહેર કર્યા. મનસેના વડા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.વી. કુલકર્ણી સમક્ષ હાજર થયા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો બહાર ભેગા થયા હતા. થાણે કોર્ટે 19 ઑક્ટોબર, 2008 ના રોજ થયેલા રમખાણો અને ઉમેદવારો અને પોલીસ અધિકારીઓ પરના હુમલાના સંદર્ભમાં રાજ ઠાકરે અને પાર્ટીના અનેક કાર્યકરો સામે આરોપો ઘડ્યા છે.

મેજિસ્ટ્રેટે ઠાકરેને સીધો પ્રશ્ન પૂછ્યો

જ્યારે મેજિસ્ટ્રેટે ઠાકરેને પૂછ્યું કે શું તેમણે આરોપો સ્વીકાર્યા છે, ત્યારે તેમણે તેને નકારી દીધો. તેમના વકીલ રાજેન્દ્ર શિરોડકરે જણાવ્યું કે હવે કોર્ટે આગામી સુનાવણી 16 ડિસેમ્બરે નક્કી કરી છે. તેમણે ઉમેર્યું કે મનસેના વડા સૂચના મળતાની સાથે જ કોર્ટ કાર્યવાહીમાં હાજર રહેશે. ઠાકરે સુનાવણી માટે પહોંચ્યા ત્યારે કોર્ટ પરિસરમાં મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી અને પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી હતી. રાજ ઠાકરેની થાણે કોર્ટમાં હાજરી એવા સમયે આવી જ્યારે તેમનો પક્ષ, MNS, ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) સાથે જોડાણ કરીને ચૂંટણી લડવા તરફ આગળ વધી રહ્યો છે.

શું છે આખો મામલો?

MNS વડા અને તેમના પક્ષના કાર્યકરો પર આરોપ હતો કે તેમણે 2008માં રેલવે ભરતી બોર્ડની પરીક્ષા આપવા આવેલા બિહાર અને ઉત્તર પ્રદેશના ઉમેદવારોને નિશાન બનાવ્યા હતા. ઠાકરે અને MNS કાર્યકરો સામે કુલ 54 કેસ દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે, ઠાકરેને 1 લાખ રૂપિયાના જામીન બૉન્ડ પર મુક્ત કરવામાં આવ્યા હતા. બોમ્બે હાઈ કોર્ટના નિર્દેશને અનુસરીને, જૂન 2009માં તેમના આગોતરા જામીન રદ થયા બાદ ઠાકરેએ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. હાઈ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે તેમની કસ્ટોડિયલ પૂછપરછ બિનજરૂરી હતી, પરંતુ સરકારની દલીલ સ્વીકારી હતી કે નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલ આગોતરા જામીન બિનજરૂરી બની ગયા છે.

મરાઠી વિવાદ

લોકલ ટ્રેનમાં મરાઠી ન બોલવા બદલ કેટલાક લોકોએ માર માર્યા બાદ એક મરાઠી યુવકે આત્મહત્યા કર્યા બાદ ઠાકરે બંધુઓ અને ભાજપ વચ્ચે રાજકીય વિવાદ વધુ વકર્યો છે. ભાજપે આ યુવકની આત્મહત્યા માટે મનસે અને ઉદ્ધવ સેનાની દ્વેષપૂર્ણ વિચારસરણીને જવાબદાર ઠેરવી છે. મુંબઈ ભાજપ પ્રમુખ અમિત સાટમના નેતૃત્વમાં, પાર્ટીએ શિવાજી પાર્કમાં બાળાસાહેબ ઠાકરેની સમાધિ પર દ્વેષપૂર્ણ વિચારસરણી ધરાવતા નેતાઓના સારા નસીબ માટે સામૂહિક પ્રાર્થના કરી. બીજી તરફ, ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને આરએસએસ પર નિશાન સાધતા કહ્યું કે તેઓ નફરત ફેલાવી રહ્યા છે.

raj thackeray maharashtra navnirman sena mumbai news thane mumbai bmc election