13 February, 2026 12:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે
ચંદ્રપુરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને ટેકો આપવા માટે શિવસેના (UBT)ના કૉર્પોરેટરોને એક કરોડ રૂપિયા મળ્યા હોવાનો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના નેતા સંદીપ દેશપાંડેએ દાવો કર્યો હતો, જેને કારણે ઠાકરે બંધુઓ વચ્ચે ફરી તનાવ આવે એવી શક્યતા ઊભી થઈ હતી.
જોકે શિવસેના (UBT) અને BJP બન્નેએ આ આરોપને ફગાવી દીધો હતો. શિવસેના (UBT)ના કૉર્પોરેટરોના ટેકાથી ચંદ્રપુર મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં BJP સત્તા સ્થાપવામાં સફળ રહી હતી. ત્યાર બાદ આ વિવાદ શરૂ થયો છે.
સંદીપ દેશપાંડેએ કહ્યું હતું કે શિવસેના (UBT) BJPને ટેકો આપે ત્યારે યોગ્ય ગણાય અને જ્યારે MNS એવું કરે ત્યારે એને ખોટું માનવામાં આવે છે.
કલ્યાણ-ડોમ્બિવલીમાં MNSએ શિવસેનાને ટેકો આપ્યો ત્યારે શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે ટીકા કરી હતી એ વાતને ટાંકીને સંદીપ દેશપાંડેએ ગઈ કાલે જાહેરમાં આ બાબતે ટિપ્પણી કરી હતી. ચંદ્રપુરમાં શિવસેના (UBT)ના દરેક કૉર્પોરેટરને અન્ય ઑફરો ઉપરાંત એક-એક કરોડ રૂપિયા મળ્યા હતા તથા એક સ્વતંત્ર કૉર્પોરેટરને પચાસ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા એવો દાવો સંદીપ દેશપાંડેએ કર્યો છે.
શિવસેના (UBT)ના ચંદ્રપુરના જિલ્લા-પ્રમુખ સંદીપ ગિર્હેએ કહ્યું હતું કે જો સંદીપ દેશપાંડે પાર્ટીના કૉર્પોરેટરોને પૈસા મળ્યા હોવાના પુરાવા રજૂ કરે તો તેઓ રાજીનામું આપી દેશે.
એક તરફ શિવસેના (UBT)ના કાર્યકરોએ પૈસા લીધા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ત્યારે બીજી બાજુ મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીમાં સારા પ્રદર્શન બદલ પક્ષના કાર્યકર્તાઓની પ્રશંસા કરતાં શિવસેના (UBT)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે પૈસાનું પૂર આવે તોય વફાદારીની દીવાલ તોડી ન શકે. કાર્યકરોને પ્રોત્સાહન આપવા તેમણે આશા વ્યક્ત કરી કે સમય બદલાશે અને આવતી કાલ આપણી હશે.