મરાઠીના મુદ્દે MNSનું હવે કાંદિવલીની LICની ઑફિસમાં આંદોલન

15 March, 2025 10:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ હવે લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (LIC)ને નિશાના પર લીધી છે.

રાજ ઠાકરે

મહારાષ્ટ્ર, મરાઠી માણૂસ અને મરાઠી ભાષાને મુદ્દો બનાવીને આંદોલન કરતી રહેતી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ હવે લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (LIC)ને નિશાના પર લીધી છે.  

કાંદિવલી-ઈસ્ટમાં સ્વપ્નસિદ્ધિ બિલ્ડિંગમાં LICની ઑફિસ છે. એ ઑફિસમાં ઇન્શ્યૉરન્સ કઢાવવા માગતા લોકોને ઍપ્લિકેશનનું જે ફૉર્મ આપવામાં આવે છે એ માત્ર અંગ્રેજીમાં છે. આ બાબતની જાણ MNSને થતાં એના કાર્યકરો LICની ઑફિસમાં પહોંચી ગયા હતા અને ઍપ્લિકેશન ફૉર્મ કેમ મરાઠીમાં નથી એવો સવાલ કર્યો હતો. તેમનું કહેવું હતું કે મરાઠી ભાષાને કેન્દ્ર સરકારે અભિજાત ભાષાનો દરજ્જો આપ્યો છે, રાજ્ય સરકારે દરેક ઑફિસમાં મરાઠી ભાષાને પહેલો પ્રેફરન્સ આપવાનો આદેશ બહાર પાડ્યો છે છતાં LICમાં ઍપ્લિકેશન ફૉર્મ અંગ્રેજીમાં જ છે અને એમાં મરાઠીનો વિકલ્પ આપવામાં આવ્યો નથી. એથી LIC મહારાષ્ટ્રની માફી માગે એવી માગણી MNSએ કરી છે. સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે છતાં LIC એેનો કેમ અમલ નથી કરતી એવો સવાલ તેમણે કર્યો હતો.

કાંદિવલીની ઑફિસમાં કામ કરતા કર્મચારીઓએ કહ્યું હતું કે તેમને ઍપ્લિકેશન ફૉર્મ ડિવિઝન ઑફિસમાંથી મોકલવામાં આવ્યાં હતાં. એથી​ MNS દ્વારા હવે LICની ડિવિઝન ઑફિસ આ બાબતે લેખિતમાં માફી માગે એવી માગણી કરવામાં આવી છે. MNSનું કહેવું છે કે મહારાષ્ટ્રનો ઇતિહાસ, મહારાષ્ટ્રની ભૂગોળ, મુંબઈ અને મરાઠી ભાષાના અ​સ્તિત્વ સાથે MNS ક્યારેય બાંધછોડ નહીં કરે અને અમારો આ આગ્રહ છે જે ફક્ત LIC જ નહીં દરેક ઑફિસે માનવો જ પડશે. 

mumbai news mumbai kandivli maharashtra navnirman sena raj thackeray mumbai crime news