14 May, 2025 10:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અધ્યક્ષ મહેન્દ્ર ભાનુશાલીએ અન્ય કાર્યકરો સાથે કચરાથી છલોછલ ભરેલા નાળામાં ફુટબૉલ રમી વિરોધ દર્શાવ્યો
દર વર્ષની જેમ આ વર્ષે પણ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા નાળાંની સફાઈનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામ પૂરું કરવાની મુદત ૩૧ મે છે, પરંતુ ચોમાસું નજીક હોવા છતાં નાળાંની સફાઈનું કામ ધીમી ગતિએ ચાલતું હોવાથી આ કામની ટીકા કરવા ગઈ કાલે ચાંદિવલીના સત્યનગરમાં આવેલા નાળામાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ચાંદિવલીના વિભાગ અધ્યક્ષ મહેન્દ્ર ભાનુશાલીએ અન્ય કાર્યકરો સાથે કચરાથી છલોછલ ભરેલા નાળામાં ફુટબૉલ રમીને અનોખો વિરોધ દર્શાવ્યો હતો. આ આંદોલન વિશે માહિતી આપતાં મહેન્દ્ર ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વર્ષે મુંબઈમાં વહેલું ચોમાસું બેસશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હોવા છતાં ચાંદિવલી વિસ્તારનાં નાળાંની કોઈ સફાઈ હજી સુધી BMC દ્વારા કરવામાં આવી નથી. આશરે ૮ દિવસ પહેલાં મેં BMCને આ ભરાયેલા નાળાની ફરિયાદ કરી હતી. ત્યારે તેમણે મારી ફરિયાદ એકથી બીજા અને બીજાથી ત્રીજા વિભાગમાં ટ્રાન્સફર કરીને એક રીતે મને ફુટબૉલની રમત રમાડી હતી. એ જોતાં ગઈ કાલે સવારે મેં અને મારી સાથેના કાર્યકરોએ કચરાથી ભરાયેલા નાળામાં ફુટબૉલ રમીને વિરોધ દર્શાવ્યો હતો.’