સાકીનાકામાં MNSનું અનોખું આંદોલન

05 July, 2026 07:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ નુકસાની માટે સંપૂર્ણપણે સરકાર અને BMC જવાબદાર છે એટલે તંત્રએ તાત્કાલિક અસરગ્રસ્ત નાગરિકોને થયેલા નુકસાનની યોગ્ય ભરપાઈ કરી આપવી જોઈએ.’

સાકીનાકા મેટ્રો સ્ટેશન નજીક આંદોલન કરતા MNSના કાર્યકરો.

મુંબઈમાં વરસી રહેલા અવિરત મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા, જેને પગલે BMCના પ્રી-મૉન્સૂન કામગીરીના દાવાઓ પર ગંભીર સવાલો ઊભા થયા છે. આ પરિસ્થિતિ વચ્ચે અંધેરી-ઘાટકોપર લિન્ક રોડ પર સાકીનાકા મેટ્રો સ્ટેશન નજીક મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા BMC પ્રશાસન, મેયર અને ડેપ્યુટી મેયર વિરુદ્ધ અનોખું અને આક્રમક આંદોલન ગઈ કાલે કરવામાં આવ્યું હતું. સાકીનાકા મેટ્રો સ્ટેશન નજીક રસ્તાઓ પર તળાવ જેવાં દૃશ્યો સર્જાતાં MNSના નેતા મહેન્દ્ર ભાનુશાલીની આગેવાનીમાં કાર્યકરોએ વિરોધ-પ્રદર્શન કરવા માટે ભરાયેલા આ પાણીમાં ચક્કર લગાવીને સ્વિમિંગ શરૂ કર્યું હતું. સાકીનાકાની આ દુર્દશાને વૉટર કિંગડમ જેવી ગણાવીને MNSના કાર્યકરોએ BMCના વહીવટની ઝાટકણી કાઢી હતી.
MNSના નેતા મહેન્દ્ર ભાનુશાલીએ વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે ‘BMCના કૉન્ટ્રૅક્ટર અને અધિકારીઓએ મળીને આ વખતે અમારા વિસ્તારનાં નાળાં અને ડ્રેનેજલાઇનોની બિલકુલ સફાઈ કરી નથી અને માત્ર કાગળ પર જ કામ આટોપ્યું છે. આ ભ્રષ્ટાચારને કારણે પ્રથમ વરસાદમાં જ આખો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે. નાગરિકોનાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જવાથી લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે. આ નુકસાની માટે સંપૂર્ણપણે સરકાર અને BMC જવાબદાર છે એટલે તંત્રએ તાત્કાલિક અસરગ્રસ્ત નાગરિકોને થયેલા નુકસાનની યોગ્ય ભરપાઈ કરી આપવી જોઈએ.’

mumbai news mumbai monsoon news mumbai monsoon indian meteorological department maharashtra navnirman sena brihanmumbai municipal corporation