18 July, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા બોલવાને લઈને વિવાદ શરૂ થયો છે. રાજ્યમાં મરાઠી ન બોલનાર લોકોને માર મારવાની અનેક ઘટનાઓ સામે આવી છે. આ બધી મારપીટને લઈને વિવાદ પણ થયો છે. જોકે તાજેતરમાં મુંબઈના વિક્રોલીમાં પણ નવી ઘટના બની છે. જેમાં એક મારવાડીની વેપારીને મનસેના કાર્યકરોએ માર માર્યો છે, કારણ કે તેણે મરાઠી ભાષાનું અપમાન કરતું વોટ્સઍપ રાખ્યું હતું. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ફરી એકવાર વિવાદમાં છે અને આ વખતે પાર્ટીના એક કાર્યકર્તાએ એક રાજસ્થાની વ્યક્તિને તેના વોટ્સઍપ સ્ટેટસને કારણે માર માર્યો છે. આ ઘટના મુંબઈના વિક્રોલી વિસ્તારની છે, જ્યાં MNS કાર્યકરોએ એક રાજસ્થાની દુકાનદારને તેના વોટ્સઍપ સ્ટેટસને મરાઠી સમુદાય પ્રત્યે અપમાનજનક માનીને માર માર્યો અને તેને જાહેરમાં માફી માગવા માટે પણ દબાણ કર્યું.
માર મારી રસ્તા પર પરેડ કાઢી
મનસે કાર્યકરોએ દુકાનદારને માર માર્યો એટલું જ નહીં, પરંતુ તેને રસ્તા પર પરેડ પણ કરાવી અને બાદમાં તેને પોલીસને સોંપી દીધો. એવો આરોપ છે કે દુકાનદારે વોટ્સઍપ પર વાંધાજનક સ્ટેટસ પોસ્ટ કર્યું હતું.
અહીં જુઓ વાયરલ વીડિયો
દુકાનદારનું સ્ટેટસ વાયરલ થતાં જ MNS કાર્યકરો ગુસ્સે થઈ ગયા અને તેમણે દુકાનદારને પકડીને માર માર્યો. આ સાથે MNS કાર્યકરોએ દુકાનદારને રસ્તા પર પણ પરેડ કરાવી. વિક્રોલીમાં બનેલી ઘટનાનો એક વાયરલ વીડિયો સામે આવ્યો છે, જેમાં મનસે કાર્યકરોએ એક દુકાનદારને જાહેરમાં માર માર્યો હતો અને મરાઠીભાષી સમુદાય વિરુદ્ધ કરેલી કથિત ટિપ્પણી બદલ માફી મગાવી હતી. અહેવાલો અનુસાર, થાણેના મીરા રોડમાં બીજા એક મારવાડી દુકાનદાર અને મનસે નેતાઓ વચ્ચે તાજેતરમાં થયેલા ઝઘડા પર પ્રતિક્રિયા આપતા દુકાનદારે કેટલીક ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ કરી હતી.
આ ટિપ્પણીઓથી મનસે નેતાઓ ગુસ્સે થયા હતા, જેમણે વિક્રોલીના મનસે વડા વિશ્વજીત ધોલમ સાથે મળીને દુકાનદારને તેની દુકાનમાં શોધી કાઢ્યો હતો અને જાહેરમાં તેની પર હુમલો કર્યો હતો અને તેની ટિપ્પણી બદલ માફી મગાવી હતી.
વિવાદ શું છે?
હિન્દી અને મરાઠી ભાષાને લઈને મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારે શાળાઓમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત બનાવવાનો આદેશ જાહેર કર્યો હતો. જોકે, પાછળથી આ ક્રમ બદલીને હિન્દીને સામાન્ય રીતે ત્રીજી ભાષા બનાવવામાં આવી હતી, જેમાં 20 વિદ્યાર્થીઓ સંમત થાય તો કોઈપણ અન્ય ભાષા પસંદ કરવાનો વિકલ્પ માન્ય રાખવામાં આવ્યો હતો.
વિપક્ષી પક્ષોએ વિરોધ કર્યો
વિપક્ષી પક્ષો, ખાસ કરીને શિવસેના (UBT) અને રાજ ઠાકરેની પાર્ટી MNS એ આ નિર્ણયને હિન્દી લાદવાનો પ્રયાસ ગણાવ્યો અને તેનો સખત વિરોધ કર્યો. ત્યારથી, મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ સંબંધિત કેસ સામે આવી રહ્યા છે.