04 December, 2024 09:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું રાજ છે, મરાઠીમાં નહીં મારવાડીમાં બોલવું પડશે આવો આરોપ ગિરગામના કરિયાણાના એક મારવાડી વેપારી પર મહારાષ્ટ્રિયન મહિલાએ કર્યો હોવાથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ આ વેપારીને માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
આ મહિલાએ પહેલાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને અને ત્યાર પછી મલબાર હિલના MNSના કાર્યકરોને ફરિયાદ કરતાં MNSના કાર્યકરોએ ગઈ કાલે દુકાનદારને લાફા મારીને મહિલાની અને મરાઠી સમાજની માફી મગાવી હતી.
આ બાબતની માહિતી આપતાં પોલીસે કહ્યું હતું કે ‘સોમવારે આ મહિલા મારવાડી વેપારીની દુકાને કરિયાણું લેવા ગઈ હતી. ત્યારે મારવાડી દુકાનદારે તેને મરાઠીને બદલે મારવાડીમાં વાત કરવા કહ્યું હતું. એનાથી મહારાષ્ટ્રિયન મહિલા ગ્રાહક નારાજ થઈ ગઈ હતી. તેણે પહેલાં સ્થાનિક ભારતીય જનતા પાર્ટીની ઑફિસમાં ફરિયાદ કરી હતી, પણ તેને ત્યાં દાદ ન મળતાં મલબાર હિલની MNSની શાખામાં ફરિયાદ કરી હતી. એટલે રોષ ભરાયેલા MNSના કાર્યકરોએ ગઈ કાલે દુકાનદારને તેમની શાખામાં બોલાવીને લાફા મારીને તેમની જ સામે મહિલાની અને મરાઠી સમાજની માફી મગાવી હતી. આ બનાવનો વિડિયો ગઈ કાલે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. દુકાનદારે મહિલાની અને મરાઠી સમાજની માફી માગી લીધા બાદ મામલો થાળે પડ્યો હતો.’