અન્ડરગ્રાઉન્ડ મેટ્રો 3માં હવે મોબાઇલ નેટવર્ક પકડાશે

12 June, 2026 09:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કનેક્ટિવિટી વધારવા માટે ઍરટેલ અને વોડાફોનનું નેટવર્ક કવરેજ એક્સપાન્ડ કરવામાં આવ્યું

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ મેટ્રો 3ના પૅસેન્જરોએ મોબાઇલમાં નેટવર્ક ન પકડાતું હોવાની સમસ્યા હવે સહન નહીં કરવી પડે. ઍરટેલ અને વોડાફોન આઇડિયા (VI)એ એનું નેટવર્ક કવરેજ એક્સ્પાન્ડ કર્યું છે. હવે આરે-જોગેશ્વરી વિક્રોલી લિન્ક રોડ (JVLR)થી બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) દરમ્યાન ઍરટેલની સર્વિસ મળી રહેશે, જ્યારે વોડાફોન-આઇડિયા (‌VI)નું કવરેજ આરે-JVLRથી આચાર્ય અત્રે ચોક સુધી વધારવામાં આવ્યું છે. નેટવર્ક-કવરેજ વધારવામાં આવતાં હવે પૅસેન્જર્સને મેટ્રો 3માં પ્રવાસ કરતી વખતે ઇન્ટરનેટ, કૉલ કે મેસેજ કરતી કે ડિજિટલ પેમેન્ટ કરતી વખતે સમસ્યા નહીં થાય. 
આ બાબતની મા‌હિતી મુંબઈ મેટ્રો 3ના સત્તાવાર સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર આપવામાં આવી હતી જેનાથી હવે વૉઇસ કૉલ્સ, ઇન્ટરનેટ ઍક્સેસ, મેસેજિંગ સર્વિસની સુવિધા સહેલાઈથી મળી શકશે. 

૨૩ મેએ પસ્તાળ પડી એટલે કરવી પડી વ્યવસ્થા
૨૩ મેએ મેટ્રો 3ની સર્વિસ અપ અને ડાઉન બન્ને લાઇન પર લગભગ ત્રણ કલાક સુધી ઠપ થઈ ગઈ હતી અને એ દરમ્યાન આ અન્ડરગ્રાઉન્ડ કૉરિડોર પર નેટવર્ક ન હોવાને કારણે પૅસેન્જર્સ કોઈ પણ કમ્યુનિકેશન કરી શક્યા નહોતા એને પગલે મોટો હોબાળો થયો હતો અને મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન (MMRCL)એ ટીકા સહન કરવી પડી હતી. આ ઘટના બાદ MMRCLએ આ રૂટ પર સર્વિસ વ્યવસ્થિત મળી રહે એ માટે ભારતી ઍરટેલ, રિલાયન્સ જિયો ઇન્ફોકૉમ અને વોડાફોન આઇડિયાને બધી ટનલ અને સ્ટેશનો પર સર્વિસ આપવા માટેના કરાર કર્યા છે. એ સિવાય હવે ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ને પણ અહીં સર્વિસ આપવાનું શરૂ કરવાનું કહેવાયું છે. 

mumbai news mumbai mumbai metro mumbai metro rail corporation ltd mmrcl mumbai transport