પોલીસની વૅનને રોકીને છવાઈ ગઈ આ મૉડલ

24 July, 2026 07:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિયા અહિર આંદોલનકારીઓને લઈ જતી પોલીસની વૅનની સામે ઊભી રહી ગઈ, પોલીસે આખરે બધાને છોડવા પડ્યા : તેની બહાદુરીની ચોતરફ થઈ રહી છે વાહ-વાહ

પોલીસની વૅનની સામે ઊભેલી મૉડલ રિયા અહિર.

કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના દિલ્હીના જંતરમંતર પર ચાલતા આંદોલનના સમર્થનમાં બુધવારે દાદરમાં શિવાજી પાર્કમાં પરવાનગી વગર વિરોધ-પ્રદર્શન કરનારાઓની પોલીસે અટક કરી હતી અને તેમને વૅનમાં લઈ જતી હતી ત્યારે ૨૭ વર્ષની રિયા અહિર નામની મૉડલે વૅનની સામે ઊભા રહીને એને આગળ વધવા દીધી નહોતી એટલું જ નહીં, તેની બહાદુરી સામે પોલીસે પણ નમતું જોખીને આંદોલનકારીઓને છોડી દીધા હતા. ત્યાર બાદ રિયાએ વિક્ટરીની સાઇન બતાવીને ખુશી વ્યક્ત કરી હતી. આ આખી ઘટનાનો વિડિયો અને તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ રિયા અચાનક જ સેન્સેશન બની ગઈ હતી અને મુંબઈમાં ચાલતા પ્રોટેસ્ટનો ચહેરો બની ગઈ હતી. 

રિયાના જણાવ્યા અનુસાર તે દાદરના કોહિનૂર સ્ક્વેરથી શિવાજી પાર્ક તરફ જઈ રહી હતી ત્યારે તેને પોલીસની આખી વૅન આંદોલનકારીઓથી ભરેલી દેખાઈ હતી. ત્યારે વૅનની સામે જઈ હાથ બતાવીને તેણે વૅનને રોકી હતી. ત્યાર બાદ અન્ય આંદોલનકારીઓએ સૂત્રોચ્ચાર કરતાં તેની પાસે આવી માનવસાંકળ રચીને તેને સપોર્ટ કર્યો હતો. આ જોઈને થોડી જ મિનિટોમાં પોલીસે વૅનમાંથી ૨૦ જેટલા વિદ્યાર્થીઓને છોડી દીધા હતા. રિયાએ જણાવ્યું હતું કે ‘મેં જોયું ત્યારે આગળથી લઈને પાછળના ભાગ સુધી આખી વૅન ભરાયેલી હતી. કોઈ ઊભું રહી શકે એટલી જગ્યા પણ ત્યાં નહોતી. આ દૃશ્ય હું જોઈ ન શકી. મેં વધારે ન વિચાર્યું અને હું વૅનની સામે જઈને ઊભી રહી ગઈ. જો હું તેમને જવા દેત તો એવું માનત કે એક નાગરિક તરીકે, એક માણસ તરીકે અને એક વિદ્યાર્થી તરીકે હું હારી ગઈ છું. જોકે પોલીસને પણ ખબર પડી કે હું ખોટી નથી એટલે જ મારી વાત માનવામાં આવી.’

રિયાએ કહ્યું હતું કે ‘હું વિદ્યાર્થી નથી, મારા પપ્પા ખેડૂત નથી કે હું નથી દલિત કે અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ની; પરંતુ તેમણે (દિલ્હીમાં) વિદ્યાર્થીઓ સાથે જે કર્યું એ ખોટું છે. તેમણે પોતાની કાર્યવાહીની જવાબદારી સ્વીકારવી પડશે.’ 
રિયાએ પ્રશ્ન ઉઠાવતાં કહ્યું હતું કે જો દિલ્હીમાં આંદોલનકારીઓને સંસદ સુધી પહોંચવા દેવામાં ન આવ્યા તો કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને વિરોધસ્થળ પર તેમને મળવાથી કોણ રોકી 
રહ્યું છે

કોણ છે રિયા અહિર?
રિયા અહિર રિયા એકૂસિયા નામથી પણ ઓળખાય છે અને તે એક મૉડલ, ઍક્ટ્રેસ, હોસ્ટ અને ઑન્ટ્રપ્રનર છે. તે Rhiyasat નામની લક્ઝરી કપડાંની બ્રૅન્ડ પણ ચલાવે છે. સોશ્યલ મીડિયા પર રિયાના મોટી માત્રામાં ફૉલોઅર્સ છે. રિયાને ડાન્સનો પણ શોખ છે અને તે મ્યુઝિક વિડિયો ‘દિલબરા’માં પણ કામ કરી ચૂકી છે. તેણે ‘દીદી’ નામની શૉર્ટ ફિલ્મમાં પણ કામ કર્યું છે. 

mumbai news mumbai mumbai police Crime News mumbai crime news jantar mantar neet exam