08 February, 2026 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોહન ભાગવત
કહ્યું કે હિન્દુ સંજ્ઞા નહીં પણ વિશેષણ છે, ભારતમાં રહેવાવાળા બધા હિન્દુ છે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નાં ૧૦૦ વર્ષ નિમિત્તે મુંબઈમાં આયોજિત બે દિવસની વ્યાખ્યાનમાળા ‘નયી ક્ષિતિજ’ના ગઈ કાલના પહેલા દિવસે સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે કહ્યું હતું કે ‘સંઘનું કાર્ય બેહદ અનોખું છે, આખી દુનિયામાં આવું કામ નથી થતું. હવે એનો પ્રત્યક્ષ અનુભવ થઈ રહ્યો છે. હિન્દુ એ સંજ્ઞા નથી પણ વિશેષણ છે. ભારતમાં રહેતા બધા જ હિન્દુ છે.’
આ વ્યાખ્યાનમાળા વરલીના નેહરુ સેન્ટર ઑડિટોરિયમમાં યોજાઈ રહી છે, જેમાં વિવિધ ક્ષેત્રની અનેક અગ્રણી વ્યક્તિઓ હાજરી આપી રહી છે. તેમને સંબોધન કરતાં ડૉ. મોહન ભાગવતે કહ્યું હતું કે ‘સંઘે પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે સમગ્ર સમાજને સંગઠિત કરવા સિવાય બીજું કોઈ કાર્ય કરવાનું નથી. ઘણા લોકો કહે છે કે નરેન્દ્ર ભાઈ વડા પ્રધાન છે, તેઓ RSSના વડા પ્રધાન છે. તેમનો એક રાજકીય પક્ષ છે, એ ભારતીય જનતા પાર્ટી છે જે અલગ છે, એમાં ઘણા સ્વયંસેવકો છે જેઓ પ્રભાવી પણ છે.’
ભારતમાં ૪ પ્રકારના હિન્દુઓ છે એમ જણાવીને ડૉ. મોહન ભાગવતે કહ્યું હતું કે ‘પ્રથમ એ જેઓ ગર્વથી કહે છે કે અમે હિન્દુ છીએ. બીજા એ જેઓ કહે છે કે અમે હિન્દુ છીએ તો શું થયું, આમાં ગર્વ કરવાનું શું છે? ત્રીજા એ જે કહે છે કે ધીમેથી બોલો કે અમે હિન્દુ છીએ, જો તમે ઘરે પૂછશો તો અમે તમને કહીશું કે અમે હિન્દુ છીએ. ચોથા એ જેઓ ભૂલી ગયા છે કે અમે હિન્દુ છીએ, અથવા એ જેમને ભૂલી જવા મજબૂર કરાયા છે કે તેઓ હિન્દુ છે.’
ગઈ કાલે વરલીના નેહરુ સેન્ટર ઑડિટોરિયમમાં સંબોધન કરતા ડૉ મોહન ભાગવત. ઑડિયન્સમાં બોની કપૂર, હેમા માલિની, કથાકાર ભૂપેન્દ્ર પંડ્યા, રણબીર કપૂર જોવા મળ્યાં હતાં.
મોહન ભાગવતે વધુમાં કહ્યું હતું કે ‘દેશના ભાગલા ધર્મના આધારે પડ્યા. અમે કહીએ છીએ કે અમે હિન્દુ છીએ એટલે બધા જ ધર્મનો આદર કરીએ છીએ. ઘણા લોકો કહે છે કે આ ખોટું છે. ઇસ્લામ અને ક્રિશ્ચિયનિટી હજી પણ ભારતમાં છે. કેટલાંય આક્રમણો થયાં એમ છતાં દેશ એક રહ્યો. હિન્દુનું વિસ્મરણ થવાને કારણે દેશના ભાગલા થયા. હિન્દુ હોવાનો મતલબ એ નથી કે તમે તમારા ધર્મનું આચરણ કરવાનું બંધ કરી દો. તમે હિન્દુત્વને અપનાવો છો તો તમારો ધર્મ તમે ખોતા નથી, નથી તમે તમારી ભાષા ખોતા. હિન્દુત્વ એ તમારી સેફ્ટીની ગૅરન્ટી છે. વ્યક્તિની શ્રદ્ધા, ફૂડ-હૅબિટ્સ અને ભાષા અલગ હોઈ શકે; પણ આપણે એક જ સમાજ, સંસ્કૃત અને દેશના છીએ. અમે એને હિન્દુત્વ કહીએ છીએ, તમે એને ભારતીયતા કહી શકો. હિન્દુ-મુસ્લિમ એકતા એ ખોટો ફ્રેઝ છે, કારણ કે બે અલગ-અલગ માણસોને એક કરી શકાય, પણ જે એક જ છે એને કઈ રીતે એક કરી શકો? ન્યાયી અને શાંતિથી એકસાથે રહેવાની શક્તિ ઍક્ટિવેટ કરવાની અને એકબીજાનું સન્માન કરવાની જરૂર છે.’
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સલમાન ખાન પણ આવ્યો હતો અને તેણે મોહન ભાગવતને શાંતિથી સાંભળ્યા હતા. સુભાષ ઘઈ તથા જાણીતા ગીતકાર અને કવિ પ્રસૂન જોશી સાથે આવેલા સલમાન ખાને મોહન ભાગવતની સ્પીચ ધ્યાનથી સાંભળી હતી. મોહન ભાગવતે કહ્યું હતું કે ‘સંઘ કોઈનો પણ વિરોધ કર્યા વગર દેશની એકતા માટે કામ કરે છે. વિદ્યાર્થીઓ કોઈ પણ તર્ક વગર ફૅશન ફૉલો કરે છે. સમાજ ફૅશનથી ચાલે છે. સિનેમામાં સલમાન ખાન જે પહેરે છે, કૉલેજના વિદ્યાર્થીઓ એ પહેરે છે. સલમાનની ફૅશન કેમ ફૉલો કરો છો? તો એ માટે તેમની પાસે કોઈ તર્ક નથી હોતો. જ્યારે તેમને પુછાયું કે કેમ પહેરો છો? તો કહે કે સલમાને પહેર્યું એટલે. ત્યારે અમે પૂછ્યું કે સલમાને શા માટે પહેર્યું? તો કહે કે ખબર નથી. બધી બાબતોમાં આવું છે. સારી હોય કે ખરાબ, સમાજ ફૅશનથી ચાલે છે.’
મોહન ભાગવત સલમાન ખાનનું ઉદાહરણ આપી રહ્યા હતા ત્યારે સલમાન ખાન પણ એ સાંભળીને ધીમે-ધીમે હસતો જોવા મળ્યો હતો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ ૬ ફેબ્રુઆરીએ શ્રીનગરના ઐતિહાસિક લાલ ચોકથી રાષ્ટ્રવ્યાપી ધ્વજયાત્રા શરૂ કરી છે જે ભારતના સમગ્ર પ્રદેશમાંથી પસાર થઈને કન્યાકુમારી પહોંચશે.
હિન્દુઓમાં શિસ્ત અને એકતાને પ્રોત્સાહન આપતી આ સંસ્થાનો ઉદ્દેશ્ય એની પ્રવૃત્તિઓ અને વિચારધારા વિશે વ્યાપક ગેરસમજોને દૂર કરવાનો છે. તેઓ એવા લોકોને વાસ્તવિક ઇતિહાસ પણ પહોંચાડવા માગે છે જેમને અત્યાર સુધી ઇતિહાસનું વિકૃત સંસ્કરણ પહોંચાડવામાં આવ્યું છે, આ યાત્રા પ્રતીકાત્મક રીતે ઐતિહાસિક લાલ ચોકથી શરૂ થઈ અને પ્રવાસી સ્વાગત કેન્દ્ર ખાતે સમાપ્ત થઈ, જ્યાં સહભાગીઓ દેશના અન્ય ભાગોમાં આગળ વધવા માટે વાહનોમાં સવાર થયા હતા.