બેઇલ પછી પણ જેલ

05 October, 2022 11:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ ગૃહપ્રધાનને ૧૦૦ કરોડ રૂપિયાની વસૂલીના ઈડીના મામલામાં ૧૧ મહિને રાહત મળી, પણ સીબીઆઇએ કરેલા કેસમાં રિલીફ નથી મળી

ફાઇલ તસવીર

રાજ્યના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અને એનસીપીના વરિષ્ઠ નેતા અનિલ દેશમુખના ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટે મની લૉન્ડરિંગના મામલામાં ૧૧ મહિને જામીન મંજૂર કર્યા હતા. તેમના પર ૧૦૦ કરોડ રૂપિયાની વસૂલી કરવાનો મામલો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ દાખલ કર્યો હતો એમાં જામીન આપવામાં આવ્યા છે. જોકે તેમની સામે આ જ પ્રકારના સીબીઆઇએ એકથી વધુ કેસ કર્યા છે, જેના પર કોર્ટમાંથી કોઈ રાહત નથી આપવામાં આવી એટલે તેઓ જામીન મળ્યા બાદ પણ જેલમાંથી બહાર નહીં આવી શકે.

મની લૉન્ડરિંગ અને ૧૦૦ કરોડ રૂપિયાની વસૂલીના પ્રકરણમાં ઈડી અને સીબીઆઇએ અનિલ દેશમુખ સામે જુદા-જુદા કેસ નોંધ્યા છે. ઈડીએ એનસીપીના આ વરિષ્ઠ નેતાની ગયા વર્ષે બીજી નવેમ્બરે ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેમણે અનેક વખત જામીન મેળવવા માટે અરજીઓ કરી હતી, પણ કોર્ટ તરફથી તેમને કોઈ રાહત નહોતી મળતી. બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે તેમના ૧૧ મહિના બાદ ઈડીના કેસમાં જામીન મંજૂર કર્યા હતા અને એક લાખ રૂપિયા શ્યૉરિટી તરીકે જમા કરાવવાનો નિર્દેશ કર્યો હતો.

અનિલ દેશમુખે જામીન મેળવા માટે બૉમ્બે હાઈ કોર્ટમાં કરેલી અરજીની સુનાવણીમાં ઈડીના વકીલે દલીલ કરી હતી કે તેમણે ગૃહપ્રધાન તરીકે પદનો દુરુપયોગ કર્યો છે. મુંબઈમાં હોટેલમાલિકો પાસેથી ગેરકાયદે વસૂલી કરવા માટે પોલીસ પર દબાણ કર્યું હતું. નોકરીમાંથી કાઢી મુકાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર સચિન વઝેનો વસૂલી માટે ઉપયોગ કર્યો. આઇપીએસ અધિકારીઓની બદલી પ્રક્રિયામાં પણ હસ્તક્ષેપ કરવાનો આક્ષેપ તેમના પર થયો છે. આથી તેમને જામીન ન આપવા જોઈએ.’

ઈડીના વકીલની દલીલના જવાબમાં અનિલ દેશમુખના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે ‘મારા અસીલ પર કરવામાં આવેલા આરોપમાં તથ્ય નથી. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ અને સચિન વઝે સંબંધી કરાયેલા આરોપના કોઈ નક્કર પુરાવા નથી. મેસેજ, વૉટ્સઍપ ઑડિયો, વિડિયો રેકૉર્ડિંગ જેવા કોઈ પુરાવા તપાસ એજન્સી પાસે નથી. હત્યા અને વિસ્ફોટક રાખવાના ગંભીર કેસના આરોપી સચિન વઝેના નિવેદન પર ૧૧ મહિના જેલમાં રાખવાનું યોગ્ય નથી.’ કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ અનિલ દેશમુખના જામીન મંજૂર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના લેટરબૉમ્બથી મુશ્કેલીમાં મુકાયેલા અનિલ દેશમુખની ઈડીએ ગયા વર્ષે બીજી નવેમ્બરે ધરપકડ કરી હતી. પીએમએલએ કોર્ટે ૧૮ માર્ચે અનિલ દેશમુખની જામીનઅરજી ફગાવી દીધી હતી. આથી તેમણે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. બીમારી અને મોટી ઉંમરના આધારે જામીન આપવાની વિનંતી કરવામાં આવી હતી. ૭૩ વર્ષના હોવાની સાથે ખભામાં દુખાવો થાય છે, બ્લડપ્રેશર હાઈ રહે છે અને બીજી કેટલીક બીમારીથી તેઓ પીડાય છે. કોરોનાનું સંક્રમણ પણ તેમને થયું હતું એટલે તેમનામાં રોગ પ્રતિકારશક્તિ નથી રહી. તેમણે ઊઠવા-બેસવા માટે બીજાની મદદ લેવી પડી રહી છે. આથી માનવતાની દૃષ્ટિએ જામીન આપવાની વિનંતી કરવામાં આવી હતી.

mumbai mumbai news directorate of enforcement anil deshmukh