ચોમાસાની બીમારીઓએ માથું ઊંચક્યું

06 July, 2022 10:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઝાડા, ઊબકા, ઊલટી અને તાવ જેવી પેટ સંબંધિત બીમારીઓ વધતાં ડૉક્ટરોએ મુંબઈવાસીઓને સ્વચ્છ પાણી અને હેલ્ધી ફૂડ ખાવાની સલાહ આપી

તસવીર: આઈસ્ટોક

મુંબઈ ઃ પેટ સંબંધિત તકલીફો ન થાય એ માટે દૂષિત પાણી અને ખાદ્ય ચીજોથી દૂર રહેજો. ઝાડા, ઊબકા, ઊલટી અને તાવ જેવી પેટ સંબંધિત બીમારીઓ વધતાં ડૉક્ટરોએ મુંબઈવાસીઓને આવી સલાહ આપી છે. મહિનાના પહેલા ત્રણ દિવસમાં જ શહેરમાં ગૅસ્ટ્રોએન્ટરાઇટિસના ૪૦ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ત્રણ દિવસમાં મલેરિયાના ૩૯ અને ડેન્ગીના સાત કેસ નોંધાયા હતા.
સુધરાઈ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પાણીજન્ય અને મચ્છરજન્ય બીમારીનું પ્રમાણ પણ વધ્યું છે.
ગ્લોબલ હૉસ્પિટલના ગૅસ્ટ્રોએન્ટરોલૉજી ઍન્ડ થેરેપ્યુટિક એન્ડોસ્કોપીના ચીફ અને ડિરેક્ટર ડૉક્ટર અમિત માયદેવે જણાવ્યું હતું કે ‘ચોમાસું, દૂષિત પાણી પીવું, વાસી, યોગ્ય રીતે ન રંધાયેલું અને બિનઆરોગ્યપ્રદ રીતે તૈયાર થયેલું, ખાસ કરીને માર્ગો પરના સ્ટૉલ પરથી ખાવું વગેરે સંક્રમણ વધવા પાછળનાં કારણો છે. લોકોને ઝાડા-ઊલટીની ફરિયાદ રહે છે. શુદ્ધ પાણી પીવું જરૂરી છે. બહારનું ભોજન આરોગવાનું ટાળવું જોઈએ અને પાણીને ઉકાળીને પીવું જોઈએ.’ 
ઝેન મલ્ટિસ્પેશ્યલિટી હૉસ્પિટલના કન્સલ્ટિંગ ફિઝિશ્યન, ઇન્ટેન્સિવિસ્ટ અને ઇન્ફેક્શિયસ ડિસીઝ સ્પેશ્યલિસ્ટ ડૉક્ટર વિક્રાંત શાહે જણાવ્યું હતું કે ‘જો તાવ, સાંધાનો દુખાવો, ઠંડી લાગવી, શરદી-ખાંસી, ભૂખ મરી જવી જેવાં લક્ષણો ત્રણ દિવસ કરતાં વધુ સમય સુધી રહે તો વ્યક્તિએ કોરોનાની ટેસ્ટ કરાવવી જોઈએ અથવા ઇન્ફેક્શન વિશે તપાસ કરાવવી જોઈએ. ચોમાસાને કારણે વાઇરલ કેસ વધ્યા છે.’
બીજી તરફ અપોલો સ્પેક્ટ્રા હૉસ્પિટલના ઇન્ટર્નલ મેડિસિન એક્સપર્ટ ડૉક્ટર તુષાર રાણેએ જણાવ્યું હતું કે ‘ગયા અઠવાડિયે તાવ, કળતર અને ઊલટીની ફરિયાદ ધરાવતા દરદીઓ ઘણી સંખ્યામાં જોવા મળ્યા હતા. વરસાદ વધ્યો હોવાથી ચોમાસામાં બીમારીઓ પણ વધવાની શક્યતા છે. આવા સમયે શરીર દુખવું, કળતર થવી, ઊલટી-તાવ અને માથું દુખવું વગેરે જેવાં મલેરિયા અને ડેન્ગીનાં લક્ષણોને નજરઅંદાજ ન કરવાં જોઈએ.’ 

mumbai news mumbai mumbai monsoon