મુંબઈમાં મૉન્સૂન નૉન-સ્ટૉપ

03 November, 2025 09:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચોમાસાની સત્તાવાર વિદાય પછી પણ શહેર અને રાજ્યમાં કમોસમી વરસાદનો મારો યથાવત્

ગઈ કાલે સવારથી ચાલુ થયેલા વરસાદે અનેક મુંબઈગરાઓના રવિવારે હરવા-ફરવાના પ્લાન ખોરવ્યા હતા. માહિમ, ક્રૉફર્ડ માર્કેટ, વરલી સહિત અનેક વિસ્તારોમાં લોકો છત્રી અને રેઇનકોટ સાથે બહાર નીકળેલા જોવા મળ્યા હતા. (તસવીરોઃ આશિષ રાજે)

મુંબઈ અને મહારાષ્ટ્રમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયને લગભગ એક મહિનો થવા આવ્યો છે. જોકે એમ છતાં આ વર્ષે મેઘરાજા પાછા જવાનું નામ નથી લઈ રહ્યા. છેલ્લા ૧૫ દિવસથી રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ગઈ કાલે પણ દિવસભર મુંબઈમાં ઠેર-ઠેર વરસાદ ચાલુ રહ્યો હતો.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે અરબી સમુદ્રના ડિપ્રેશનને કારણે હજી આ અઠવાડિયે પણ કમોસમી વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. જોકે વરસાદને કારણે મુંબઈગરાઓને ઉકળાટમાંથી રાહત મળી હતી અને તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.

હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ૪૮ કલાક માટે મુંબઈ અને ઉપનગરોમાં આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ અઠવાડિયા દરમ્યાન સમગ્ર રાજ્યમાં વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ રહી શકે છે. આ ઉપરાંત રાયગડ, સિંધુદુર્ગ, જલગાંવ, સાતારા, કોલ્હાપુર, સોલાપુર, બીડ અને લાતુર જિલ્લા માટે યલો અલર્ટ જાહેર કરવામાં આવી હતી. 

mumbai monsoon monsoon news mumbai rains mumbai weather Weather Update mumbai mumbai news