રેડ અલર્ટ વચ્ચે દિવસ દરમ્યાન શહેરમાં વરસાદનું ટીપુંય ન પડ્યું

13 June, 2021 08:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જ્યારે પરાંમાં ૬૫ એમએમ વરસાદ નોંધાયો હતો. હવામાન ખાતાએ મુંબઈ માટેનું રેડ અલર્ટ બદલીને ઑરેન્જ કરી દીધું

વરસાદને કારણે થયેલો સાયનની ગાંધી માર્કેટનો જળબંબાકાર વિસ્તાર.

હવામાન ખાતાએ ગઈ કાલે મોડી રાત્રે વરસાદ માટેનો અલર્ટ બદલીને મુંબઈ માટે આજે રેડને બદલે ઑરેન્જ અલર્ટ જાહેર કર્યો છે. આ પહેલાં મુંબઈમાં ગઈ કાલે પરોઢિયે જોરદાર વરસાદ હતો, પણ ત્યાર બાદ દિવસ દરમ્યાન છૂટાંછવાયાં ઝાપટાં પડ્યાં હતાં, પણ વરસાદનું જોર પ્રમાણમાં ઓછું હતું. જોકે આખો દિવસ વાદળાં છવાયેલાં રહ્યાં હતાં. સવારે પડેલા ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો જેવા કે કુર્લા કામાણી, સાયન ગાંધી માર્કેટ, કિંગ્સ સર્કલ, દાદર ટીટી, હિન્દમાતા, બાંદરા નૅશનલ કૉલેજ, વીરા દેસાઈ રોડ, અંધેરી સબવેમાં પાણી ભરાયાં હતાં. સુધરાઈના કર્મચારીઓએ વરસતા વરસાદમાં પાણી કાઢવાના પ્રયાસ ચાલુ  રાખ્યા હતા. પાણી ભરાવાને કારણે બેસ્ટે એની બસના રૂટ ડાઇવર્ટ કર્યા હતા. 

રીજનલ મિટિયરોલૉજિકલ સેન્ટરનાં ડિરેક્ટર શુભાંગી ભુતેએ કહ્યું હતું કે ‘કોંકણમાં હળવા દબાણનો પટ્ટો સર્જાયો છે. એ સિવાય જે પશ્ચીમી પવનો છે એણે જોર પકડતાં મુંબઈ સહિત આખા કોંકણ વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે. કેટલીક જગ્યાએ મુશળધાર વરસાદ પડી શકે છે.’

મધ્ય અને હાર્બરની સેવા ખોરવાઈ
મધ્ય રેલવેના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘ગઈ કાલે પરોઢિયે એક જ કલાકમાં ૬૧.૨૧ એમએમ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત બપોરે ૧.૩૨ વાગ્યે ભરતી હોવાથી અને એમાં પણ ૪.૩૪ મીટર ઊંચાં મોજાં ઊછળવાનાં હોવાથી પાણી પાછું ન ફેંકાય એટલા માટે મીઠી નદીના ગેટ બંધ કરવામાં આવતાં કુર્લા અને સાયન વચ્ચે ટ્રૅક પર પાણી ફરી વળ્યાં હતાં. એથી મધ્ય રેલવે અને હાર્બર લાઇનની રેલવેસેવા ખોરવાઈ ગઈ હતી. ચૂન્નાભઠ્ઠી સ્ટેશન પાસે પણ ટ્રૅક પર પાણી ફરી વળ્યાં હતાં. મધ્ય રેલવેમાં ટ્રેન સીએસએમટીથી દાદર અને બીજી તરફ કુર્લાથી આગળ ચાલુ રખાઈ હતી. પાણી ભરાવાને કારણે હાર્બર લાઇનમાં પણ ટ્રેનસર્વિસ બહુ ધીમી પડી હતી.’

પહેલા વરસાદમાં જ પવઈ ઓવરફ્લો થઈ ગયું હતું.

આ કારણસર ટ્રેનોનું ટાઇમ ટેબલ ખોરવાઈ ગયું હતું અને મુંબઈગરાઓને હાડમારી ભોગવવી પડી હતી. વેસ્ટર્ન રેલવેમાં ટ્રેનો રાબેતા મુજબ ચાલી હતી અને કોઈ સમસ્યા સર્જાઈ નહોતી. 
    
મુંબઈ મહાનગરપાલિકા સાવચેત
ભારે વરસાદની આગાહી હોવાથી મુંબઈ મહાનગરપાલિકાએ સાવચેતીનાં પગલાં લીધાં છે. મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે મુંબઈગરાને આ બે દિવસ બહુ જ જરૂરી કામ ન હોય તો ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. સુધરાઈએ બહાર પાડેલા ડેટા મુજબ ગઈ કાલે સવારના ૮.૩૦થી સાંજના ૫.૩૦ વાગ્યા દરમિયાન કોલાબામાં એક ટીપુંય વરસાદ નોંધાયો નહોતો, જ્યારે સાંતાક્રુઝમા ૬૪.૫ એમએમ વરસાદ નોંધાયો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગઈ કાલે સવારે આઠ વાગ્યાથી રાત્રે સાડા આઠ વાગ્યા સુધીમાં કોલાબામાં ૨.૬ એમએમ વરસાદ નોંધાયો હતો.

સુધરાઈના જણાવ્યા મુજબ ગઈ કાલે ઘર કે ભીંત પડવાની કુલ પાંચ ઘટના બની હતી. એમાં બે ઘટના મુંબઈ સિટીમાં, જ્યારે ત્રણ ઘટના પૂર્વનાં પરાંઓમાં નોંધાઈ હતી. જોકે આ ઘટનાઓમાં કોઈના ઘાયલ થવાના અહેવાલ નથી. 

મુંબઈમાં ગઈ કાલે શૉર્ટ સર્કિટની ૯ ઘટના બની હતી. એમાં સિટીમાં ૪, પૂર્વનાં પરાંમાં ૩ અને પશ્ચિમનાં પરાંમાં બેનો સમાવેશ થતો હતો. ઉપરોક્ત ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ જખમી થયું નથી.

કટોકટીને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમ તહેનાત
મુંબઈ સહિત એમએમઆર અને કોંકણમાં ભારે વરસાદ અને કેટલીક જગ્યાએ અતિવૃષ્ટિ થવાની સંભાવના હોવાથી એનડીઆરએફ (નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ)ની કુલ ૧૨ ટીમ મુંબઈ, થાણે સહિત રત્નાગિરિ અને રાયગડમાં મોકલવામાં આવી છે. એ ટીમના જવાનો દ્વારા જોખમી વિસ્તારોનું અવલોકન કરાયું હતું. એટલું જ નહીં, એનડીઆરએફના કમાન્ડર રાજેન્દ્ર પાટીલે થાણે ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (ટીડીઆરએફ)ના જવાનોને સાથે રાખીને કટોકટીમાં શું બની શકે એની ચર્ચા કરી એ માટેના ઉપાયો કઈ રીતે યોજવા એની પણ તૈયારી તેમણે ચાલુ કરી દીધી હતી.

મુંબઈને પાણી આપતાં જળાશયોમાં જોઈએ એવું પાણી નથી વરસ્યું
ચોમાસું બેઠું છે ત્યારથી એણે મુંબઈને ધમરોળ્યું છે, પણ મુંબઈને જ્યાંથી પાણી મળે છે એ સાતમાંથી પાંચ જળાશયોમાં જોઈએ એવો વરસાદ નથી થયો. તુલસી અને વિહારમાં જોરદાર વરસાદ થયો છે, પણ આ બે જળાશય મુંબઈને નજીવું પાણી પહોંચાડતાં હોવાથી ખાસ ફરક નથી પડ્યો. મુંબઈને એની જરૂરિયાતના પચાસ ટકાથી પણ વધુ પાણી પહોંચાડતા ભાત્સા જળાશયમાં ગઈ કાલે ૩૨ એમએમની સાથે અત્યાર સુધીમાં કુલ ૧૨૪ એમએમ વરસાદ જ પડ્યો છે. ગઈ કાલ સવાર સુધીમાં મુંબઈને પાણી આપતાં જળાશયોમાં ૧,૮૫,૯૭૧ એમએલડી પાણીનો જથ્થો જમા થયો હતો જે ગયા વર્ષની સરખામણીએ ૧,૬૩૨ એમએલડી ઓછો છે. ચોમાસાના અંતે મુંબઈને અવિરત પાણી મળી રહે એ માટે આ સાત જળાશયોમાં ૧૪.૪૭ લાખ એમએલડી પાણીની જરૂરિયાત હોય છે. સુધરાઈ રોજની ૪૨૦૦ એમએલડી પાણીની જરૂરિયાતની સામે અત્યારે ૩૮૫૦ એમએલડી પાણી પૂરું પાડે છે. 

પવઈ તળાવમાં પણ સારોએવો વરસાદ થયો હતો અને એ ગઈ કાલે ઓવરફ્લો થઈ ગયું હતું. પહેલા વરસાદમાં જ પવઈ ઓવરફ્લો થતાં આનંદ છવાઈ ગયો હતો. જોકે પવઈ તળાવનું પાણી મુંબઈગરાઓને પીવામાં નથી સપ્લાય થતું, પણ એ ઇન્ડસ્ટ્રીઓને એમની જરૂરિયાત માટે પૂરું પાડવામાં આવે છે. 

mumbai mumbai news mumbai rains mumbai monsoon mumbai weather indian meteorological department