૧ મહિનો ને ૧૦ લાખ પ્રવાસીઓ

14 September, 2021 08:31 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

વૅક્સિનેટેડ મુંબઈગરાને લોકલમાં પાસ લઈને પ્રવાસ કરવાની છૂટ અપાયાને એક મહિનો થઈ ગયો છે અને પ્રવાસીઓની સંખ્યામાં આટલો વધારો તો થયો છે છતાં ટ્રેનની ટિકિટ લેવાની છૂટ અપાતી નથી

મુંબઈમાં પાસ લઈને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે, છતાં ટિકિટ નથી અપાતી

ફુલી વૅક્સિનેટેડ પ્રવાસીઓને પાસ આપીને પ્રવાસ કરવાની અનુમતિ ૧૫ ઑગસ્ટના અપાઈ હતી અને એને હવે એક મહિનો થઈ ગયો છે, પરંતુ પ્રવાસીઓની ભીડ થવાની ચિંતાએ ફુલી વૅક્સિનેટેડ મુસાફરોને ટિકિટ આપવા માટે રાજ્ય સરકાર હજી પણ તૈયાર નથી. જ્યારે કે રેલવે અસોસિએશન સતત વિવિધ સ્તરે માગણી કરી રહ્યા છે કે હવે તો ફુલી વૅક્સિનેટેડ પ્રવાસીઓને ટિકિટ આપવી જ જોઈએ. જોકે રાજ્ય સરકાર કે પછી રેલવે હાલ સુધી એ આપવાના વિચારમાં જરાય દેખાઈ રહ્યા નથી.

સેન્ટ્રલ રેલવેમાં ૧૫ ઑગસ્ટ પહેલાં આશરે ૧૪ લાખ પ્રવાસીઓ ટ્રાવેલ કરતા હતા, પણ ફુલ્લી વૅક્સિનેટેડને પાસ આપવાનું શરૂ કર્યા બાદ અત્યાર સુધી એમાં સાડા પાંચથી છ લાખની આસપાસ પ્રવાસીઓ વધી ગયા છે. જ્યારે વેસ્ટર્ન રેલવેમાં પહેલાં નવ-દસ લાખની આસપાસ મુસાફરો હતા જેમાં આશરે ચાર લાખ પ્રવાસીઓનો વધારો થયો છે. આમ સેન્ટ્રલ અને વેસ્ટર્નમાં લગભગ ૩૪ લાખ પ્રવાસીઓ અત્યારે પ્રવાસ કરી રહ્યા છે.

વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઑફિસર સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે ‘કોવિડની શરૂઆત થયા બાદ છેલ્લાં દોઢ વર્ષથી રાજ્ય સરકાર દ્વારા જે ગાઇડલાઇન્સ આપવામાં આવે છે એનું રેલવે દ્વારા પાલન કરવામાં આવે છે. રાજ્ય સરકાર કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રવાસની અનુમતિ આપે છે એટલે રેલવે એને જ ફોલો કરે છે. ટિકિટ આપવાની અનુમતિ અપાશે તો એ પણ રેલવે આપવા તૈયાર જ છે.’ 

સેન્ટ્રલ રેલવેના વરિષ્ઠ પ્રવક્તા એ. કે. જૈને કહ્યું હતું કે ‘ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઍક્ટ લાગુ હોવાથી રાજ્ય સરકાર જે કહે છે એ જ અમે ફોલો કરીએ છીએ.’

જ્યારે કે રેલ યાત્રી પરિષદના અધ્યક્ષ સુભાષ ગુપ્તાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૫ ઑગસ્ટથી ફુલી વૅક્સિનેટેડને લોકોને પાસ આપીને પ્રવાસની અનુમતિ અપાઈ છે, પરંતુ હવે એને એક મહિનો થવા આવ્યો છતાં સરકાર હજી પણ પરિસ્થિતિ જોઈ જ રહી છે. એકાદ વખત પ્રવાસ કરવા પણ લોકોને પાસ લેવો પડે છે. કોરોનાકાળને કારણે લોકો પાસે પૈસા નથી તો એક મહિનાનો પાસ કેવી રીતે લઈ શકે. એથી ફુલી વૅક્સિનેટેડ લોકોને ટિકિટ આપવાની અનુમતિ આપવી જ જોઈએ. તેમ જ જેણે એક વૅક્સિન લીધી છે તેમને પ્રવાસ કરવાની પણ અનુમતિ આપવી જોઈએ જેથી લોકો પોતાના કામધંધે જઈ શકે. બે ડોઝ ૪૫થી વધુ વય-જૂથના લોકોને જ મળ્યા છે અને આ વય-જૂથના લોકોને પ્રવાસ કરવાની જરૂરિયાત નથી અથવા તો તેમને કામકાજ માટે એટલું જવું નથી પડતું. તેમ જ સ્કૂલ, કૉલેજ પણ બંધ છે અને વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું હોવાથી આમ આ બધા કારણોસર હાલમાં ટ્રેનમાં વધુ ભીડ નથી. ૧૮ પ્લસવાળાને બન્ને ડોઝ મળ્યા નથી, એથી ટ્રેનમાં ભીડનું પ્રમાણ ઓછું છે તો એક વૅક્સિન લીધેલા લોકોને પણ અલાઉડ કરવાની જરૂર છે.’

mumbai mumbai news mumbai local train preeti khuman-thakur