હવે શરૂ થશે માથેરાનની ટ્રેનનું ઑનલાઇન બુકિંગ

17 May, 2022 11:10 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

સુપ્રીમ કોર્ટે ઈ-રિક્ષાની ટ્રાયલ શરૂ કરવાની પરવાનગી તથા સ્થાનિક નગરપાલિકાએ મિની બસ શરૂ કરવાની જાહેરાત કર્યા બાદ સહેલાણીઓને મળશે વધુ એક ગિફ્ટ

ટૂરિસ્ટોમાં ટૉય-ટ્રેનનું વિશેષ આકર્ષણ છે

આવનારા મહિનાઓમાં ભારતીય રેલવેની સેન્ટ્રલ બુકિંગ સિસ્ટમ દ્વારા નેરળ-માથેરાન ટ્રેનની ટિકિટ્સનું બુકિંગ કરી શકાશે. હિલ સ્ટેશન જવા માટે ટ્રેન-સર્વિસ વધારવામાં આવશે તેમ જ ટૉય-ટ્રેનને પણ અપગ્રેડ કરી એમાં છના સ્થાને આઠ કોચ જોડવામાં આવશે. સમગ્ર ૨૦ કિલોમીટરના પટનું પુનર્નિર્માણ કરવા ઉપરાંત મુંબઈના મનપસંદ વીક-એન્ડ ગાળવાના સ્થળ માટે મધ્ય રેલવે આ યોજનાઓ ધરાવે છે.

વર્તમાન અમન લૉજ-માથેરાન નેરોગેજ ટ્રેન-સર્વિસને અપગ્રેડ કરવા માટે મધ્ય રેલવે જુદાં-જુદાં પગલાં લઈ રહી છે.

રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ઑપ્ટિકલ ફાઇબર બિછાવવાનું કામ અંતિમ તબક્કામાં છે. એક વાર એ પૂર્ણ થઈ જતાં માથેરાન સ્ટેશન પણ પૅસેન્જર રિઝર્વેશન સિસ્ટમના મૅપ પર આવી જશે અને સહેલાણીઓ મિની ટ્રેન માટે પણ ઑનલાઇન બુકિંગ કરાવી શકશે.’

માથેરાન મ્યુનિસિપલ કાઉન્સિલનાં પ્રમુખ પ્રેરણા સાવંતે કહ્યું હતું કે ‘માથેરાનની રેલ-સર્વિસમાં સુધારાઓ માટે વિનંતી કરવા તેમના સહયોગીઓ ગયા અઠવાડિયે મુંબઈમાં વિભાગીય રેલવે મૅનેજરને મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ વેકેશન પિરિયડમાં પ્રવાસીઓની ભીડ અનેકગણી વધી ગઈ હોવાથી અમન લૉજ અને માથેરાન વચ્ચે હાલમાં શનિવાર અને રવિવારની જેમ જ ચાલુ દિવસોમાં પણ ઓછામાં ઓછી ૧૦ સર્વિસ ચલાવવામાં આવે. માથેરાનને થતી આવક અર્થતંત્રને વેગ આપવામાં મદદ કરશે.’

માથેરાન મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રતિનિધિઓએ એવું પણ સૂચન કર્યું હતું કે રેલવેએ ટૉય ટ્રેનની બોગીની સંખ્યા છથી વધારીને આઠની કરવી જોઈએ, જેના ઉત્તરમાં રેલવે અધિકારીઓએ ખાતરી આપી હતી કે આઠ કોચવાળી ટ્રેન ચલાવી શકાય છે કે કેમ એની તપાસ કરવા માટે ટૂંક સમયમાં ટ્રાયલ લેવામાં આવશે.

છેલ્લા આંકડાઓ જોઈએ તો મધ્ય રેલવેએ અમન લૉજ અને માથેરાન વચ્ચે શનિવાર અને રવિવારની અઠવાડિયાની ૨૦ અને ચાલુ દિવસોમાં અઠવાડિયાની ૧૬ રેલ-સર્વિસ સાથે નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨માં ૩,૦૬,૭૬૩ મુસાફરો અને ૪૨,૬૧૩ પૅકેજિસનું વહન કર્યું હતું.

મધ્ય રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘બૅરિકેડ્સ બનાવવાનું અને દીવાલો બનાવવાનું કામ મે ૨૦૨૨ના અંત સુધીમાં ચોમાસા પહેલાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક ઠરાવાયો છે. ટ્રૅક બિછાવવાનું કામ ચાલુ છે, જે ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં ૨૦ કિલોમીટરના સ્ટ્રેચ માટે પૂર્ણ થઈ જશે. એક વાર તમામ કામ પૂર્ણ થઈ જાય પછી અમે લાઇનને ચાલુ કરી શકીશું.’ 

mumbai mumbai news matheran rajendra aklekar