31 December, 2025 08:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આગને કારણે ચાલના માળખાને ભારે નુકસાન થયું હતું. સલામતીના પગલે સિલિન્ડરો બહાર કાઢી લેવાયાં હતાં. તસવીરો: આશિષ રાજે
મંગળવારે બપોરે માઝગાવ વિસ્તારમાં એક ચાલમાં ભીષણ આગ લાગી હતી. લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) સિલિન્ડર ફાટતાં આગ બેકાબૂ બની હતી. એક પછી એક સિલિન્ડર-બ્લાસ્ટ થતાં ધડાકાના અવાજથી આસપાસના લોકો ડરી ગયા હતા. ગ્રાઉન્ડ પ્લસ ૩ માળની ચાલમાં પાંચથી સાત રૂમ આગમાં હોમાતાં ચાલનું ખાલી માળખું જ બચ્યું હતું. ૭૩ વર્ષના એક વડીલ આ ઘટનામાં દાઝ્યા હતા.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ આપેલી માહિતી મુજબ રેતી બંદર રોડ પર ગુરુકૃપા ચાલમાં બપોરે ૩.૧૫ વાગ્યે આગ લાગી હતી જે પ્રાથમિક દૃષ્ટિએ શૉર્ટ-સર્કિટને કારણે એક રૂમમાં લાગી હતી, પરંતુ આગને કારણે LPG સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ બાજુનાં ચારથી પાંચ રૂમ આગની ઝપેટમાં આવ્યા હતા. કુલ ૪ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગ વધુ વિકરાળ બની હતી. ફાયર-બ્રિગેડ અને આસપાસના રહીશોએ ચાલીનાં બધાં જ ઘરોમાંથી સિલિન્ડર બહાર કાઢીને હોનારત થવાનું જોખમ ટાળ્યું હતું.
સાંજે ૪.૩૫ વાગ્યે આગને વધુ ફેલાતી રોકવામાં સફળતા મળી હતી, પણ આગ બુઝાવવાની કામગીરી મોડી રાત સુધી ચાલી હતી.