11 August, 2021 09:05 AM IST | Mumbai | Viral Shah
આવતા સપ્તાહમાં ઍડ્મિ શન પછી થોડા સમયમાં જુનિયર કૉલેજ પણ મુંબઈમાં ચાલુ થશે. આ સાથે સ્ટુડન્ટ્સની ઇંતેજારીનો પણ અંત આવશે
મહારાષ્ટ્રના સ્કૂલ એજ્યુકેશન વિભાગે અગિયારમા ધોરણના ઍડ્મિશન માટે રાખેલી સીઈટી (કૉમન એન્ટ્રસ ટેસ્ટ)ને બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે રદ કરતાં હવે ઍડ્મિશન કઈ રીતે થશે એની લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ચિંતા શરૂ થઈ ગઈ છે. ગઈ કાલે રાજ્યના સ્કૂલ એજ્યુકેશન ખાતાનાં પ્રધાન વર્ષા ગાયકવાડે પણ કોર્ટના ચુકાદા બાબતે કહ્યું હતું કે અમે કોર્ટના ચુકાદાનો અભ્યાસ કરીને ઍડ્મિશન બાબતે નિર્ણય લઈશું. જોકે સાથે તેમણે એ પણ કહ્યું હતું કે અમે કોર્ટના ચુકાદાનું સન્માન કરીએ છીએ.
તેમના આ સ્ટેટમેન્ટ પરથી અત્યારે તો એવું લાગી રહ્યું છે કે રાજ્ય સરકાર કોર્ટના આ ચુકાદા સામે અપીલમાં જવાના મૂડમાં નથી. સ્ટેટ એજ્યુકેશન બોર્ડના એક અધિકારીએ અગિયારમા ધોરણના ઍડ્મિશનના સંદર્ભમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોર્ટના ચુકાદાથી અમારો ડિપાર્ટમેન્ટ જરાય નારાજ નથી થયો. ઊલટું અમે તો રાહતનો શ્વાસ લઈ રહ્યા છીએ. બાકી અમને તો સીઈટી લીધા બાદ ઍડ્મિશનની પ્રોસેસ ક્યારે પૂરી થશે અને ઍકૅડેમિક ક્યારે યર શરૂ થશે એની ચિંતા હતી. જો અમે સીઈટી પ્રપોઝ કર્યા વગર જ ઍડઅમિશન શરૂ કર્યું હોત અને કોઈ પેરન્ટ્સ કોર્ટમાં જાત તો એ અમારી ખિલાફ જાત એવી અમને સલાહ મળી હોવાથી અમે આ નિર્ણય લીધો હતો.’
એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે ૨૮ મેના રોજ સીઈટીનો જે અધ્યાદેશ બહાર પાડ્યો હતો એને રદ કરતો આદેશ આજે બહાર પાડવામાં આવે એવી શક્યતા છે. આ સિવાય ગયા વર્ષની જેમ જ સેન્ટ્રલાઇઝ્ડ ઍડ્મિશન પ્રોસેસ મારફત ઑનલાઇન ઍડ્મિશન શરૂ કરવામાં આવશે. આ પ્રોસેસ પણ આવતા અઠવાડિયાથી શરૂ થઈ જવાની શક્યતા છે. હવે દરેક બોર્ડના વિદ્યાર્થીઓને દસમામાં જેટલા ટકા મળ્યા છે એના આધારે કૉલેજોમાં ઍડ્મિશન મળવાનું હોવાથી મોટા ભાગની કૉલેજોમાં કટ-ઑફ ઊંચું રહેવાની ભારોભાર શક્યતા છે. કોર્ટે રાજ્ય સરકારને છ અઠવાડિયાંમાં ઍડ્મિશન પ્રોસેસ પૂરી કરવા જણાવ્યું છે.