કાર-ઍક્સિડન્ટમાં મૃત્યુ પામેલા ધ્રુમિલ પટેલની મમ્મીની આ છે માગણી

07 March, 2026 12:13 PM IST  |  Mumbai | Faizan Khan

આજે મારી કૂખ ઉજાડી છે, કાલે આ છોકરો બીજાની કૂખ ઉજાડી શકે; આવા છોકરાને કોર્ટે જામીન આપવા જ ન જોઈએ, તેને તો કડકમાં કડક સજા થવી જોઈએ : જીવલેણ અકસ્માત કરનાર સગીર કાર-ડ્રાઇવરને ગઈ કાલે જામીન મળી ગયા

પ્રતીક્ષા પટેલ

જે છોકરો તેનાં મા-બાપના કહ્યામાં નથી એ છોકરાએ આજે મારો કુળદીપક બુઝાવી નાખ્યો છે, આવતી કાલે કોઈ બીજી માતાની કૂખ પણ તે ઉજાડી શકે છે. આવા છોકરાને કાયદાએ કડકમાં કડક સજા આપવી જોઈએ. જો આજે તેના પર દયા ખાઈને કે પૈસાના જોરે તેને છોડી દેવામાં આવશે તો કાલે મારી જેમ અન્ય કોઈ માવતરે પોતાના એકના એક દીકરાને ખોવાનો વારો આવશે. 
આવો આક્રોશ ગઈ કાલે ધ્રુમિલ પટેલનાં ૫૮ વર્ષનાં મમ્મી પ્રતીક્ષા પટેલે વ્યક્ત કર્યો હતો. ગઈ કાલે ધ્રુમિલના મોત માટે જવાબદાર ૧૭ વર્ષના ટીનેજરને જુવેનાઇલ કોર્ટે જામીન આપ્યા હતા.

કોર્ટના આ આદેશથી ધ્રુમિલ પટેલના પરિવારજનોમાં જબરદસ્ત ઝટકો લાગ્યો હતો. પ્રતીક્ષાબહેને કહ્યું હતું કે ‘મને મારા દીકરાનો જીવ લેનાર પરિવાર પાસેથી પૈસા નથી જોઈતા, કાયદો તેને આકરામાં આકરી સજા કરે એવી મારી માગણી છે. હું ઉપલી કોર્ટ સુધી મારા જીવમાં જીવ છે ત્યાં સુધી લડીશ, પણ તેને સજા તો અપાવીને જ રહીશ. તો જ મારી આંતરડી ઠરશે અને ત્યારે જ મારા દીકરાને હું સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકીશ.’

ધ્રુમિલ પટેલ અને તેની પત્ની મીનળનો પાંચમી ફેબ્રુઆરીએ રાતે ૧૦.૪૫ વાગ્યે સોમૈયા કૉલેજ પાસે ઍક્સિડન્ટ થયો હતો. તિલકનગર તરફ જઈ રહેલી કાર જે ૧૭ વર્ષનો એક ટીનેજર ડ્રાઇવ કરી રહ્યો હતો એણે ધ્રુમિલના સ્કૂટરને જોરદાર ટક્કર મારી હતી જેમાં પટેલ-દંપતી ઈજાગ્રસ્ત થયું હતું. ત્યાર પછી હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન ધ્રુમિલનું મૃત્યુ થયું હતું અને તેની પત્ની મીનળને ગંભીર ઈજા થઈ હતી.

એ બનાવ પછી તિલકનગર પોલીસે આ બનાવની તપાસ કરીને કાર ડ્રાઇવ કરી રહેલા ટીનેજર અને કારમાલિક તેના પપ્પાની ધરપકડ કરી હતી. જોકે કોર્ટે ટીનેજરની બારમાની પરીક્ષા હોવાથી ૨૩ ફેબ્રુઆરીએ તેને જામીન આપ્યા હતા. પરીક્ષા પૂરી થયા પછી ટીનેજર પાછો પોલીસ-શરણે ગયો હતો અને પોલીસે તેને ડોંગરીની જુવેનાઇલ હોમની કસ્ટડીમાં રાખ્યો હતો. ગઈ કાલ સુધી તે કસ્ટડીમાં હતો અને ગઈ કાલે જુવેનાઇલ કોર્ટે તેને જામીન આપ્યા હતા.

આ પહેલાં બુધવારે મુંબઈની સેશન્સ કોર્ટે આ ટીનેજરના પપ્પા વાલજી ભૂષણને જામીન આપ્યા હતા. કોર્ટના ઍડિશનલ સેશન્સ જજ આર. એમ. જાધવે વાલજી ભૂષણને ૫૦,૦૦૦ રૂપિયાના બૉન્ડ પર જામીન મંજૂર કર્યા હતા અને તેને જામીન આપતી વખતે કોર્ટે વાલજી ભૂષણની સોસાયટીના એક ચોકીદારના સ્ટેટમેન્ટ પર આધાર રાખ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ વાલજીને તેનો દીકરો કાર લઈને ગયો હતો એની જાણ નહોતી.

somaiya college tilak nagar ghatkopar vidyavihar road accident Crime News mumbai crime news mumbai police mumbai mumbai news