મુંબઈનો મુખરજી પરિવાર ૪ લાખ રૂપિયાના ખર્ચે ૬ દિવસ પછી હવાઈથી મુંબઈ પહોંચ્યો

05 March, 2026 08:20 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

અમેરિકામાં વેકેશન માણવા ગયેલી મુંબઈની આ ફૅમિલીની રિટર્ન જર્ની જુઓ કેવી હતી... હવાઈ- સીએટલ-દોહા- ઇસ્તાંબુલ- તાશ્કંદ- દિલ્હી- મુંબઈ

સિદ્ધાર્થ મુખરજી પત્ની આયશા અને દીકરી અનિકા સાથે.

અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે વેસ્ટ એશિયાના દેશોમાં ઍરસ્પેસ બંધ થઈ ગઈ છે, જેને કારણે હજારો ભારતીયો ગલ્ફ દેશોમાં અટવાઈ ગયા છે. અમેરિકામાં વેકેશન માણવા ગયેલો મુંબઈનો એક પરિવાર મુંબઈ પાછો પહોંચ્યો ત્યાં સુધી માનસિક અને આર્થિક મુશ્કેલીઓનો પાર નહોતો રહ્યો.

સિદ્ધાર્થ મુખરજી, તેમની પત્ની આયશા અને પુત્રી અનિકા ૧૪ ફેબ્રુઆરીએ ભારતથી અમેરિકા જવા રવાના થયાં હતાં અને ૨૭ ફેબ્રુઆરીએ ત્યાંથી રિટર્ન આવવાનાં હતાં. રિટર્ન જર્ની હવાઈથી સીએટલની હતી અને ત્યાંથી કતર ઍરવેઝની ફ્લાઇટમાં દોહા જવાના હતા, જ્યાંથી તેઓ મુંબઈ માટે રવાના થવાના હતા.

સિદ્ધાર્થ મુખરજીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દોહામાં લેન્ડ થવાના લગભગ ૩ કલાક પહેલાં કૅપ્ટને જાહેરાત કરી હતી કે કટોકટીને કારણે ફ્લાઇટ આગળ વધી શકતી નથી અને એને ટર્કીના ઇસ્તાંબુલ તરફ વાળવામાં આવશે. પ્લેન સ્થાનિક સમય મુજબ બપોરે ૩ વાગ્યાની આસપાસ ઇસ્તાંબુલ ઊતર્યું હતું, પણ મુસાફરોને ઍરપોર્ટ પર ઊતરવાની મંજૂરી મળતાં પહેલાં લગભગ છ કલાક સુધી પ્લેનની અંદર રાહ જોવી પડી હતી.’

ભારતીય પાસપોર્ટ-હોલ્ડર્સને યુરોપ અને એશિયાના દેશોમાં પ્રવેશવા માટે વીઝાની જરૂર હોવાથી મુસાફરોએ વ્યક્તિદીઠ ૫૦ ડૉલર એટલે કે આશરે ૪૯૦૦ રૂપિયાના ખર્ચે ઑનલાઇન વીઝા માટે અરજી કરવી પડી હતી. લગભગ ૭ ફ્લાઇટ્સ ડાઇવર્ટ કરવામાં આવી હતી અને આ રીતે લગભગ ૨૦૦૦ મુસાફરો ફસાયેલા હતા. સિદ્ધાર્થ મુખરજીના પરિવારની દોહા ફ્લાઇટ આખરે રદ થઈ ગઈ ત્યારે પરિવારે વૈકલ્પિક ટિકિટ બુક કરવાનું નક્કી કર્યું.

તાશ્કંદ થઈને દિલ્હી જવા માટે છેલ્લી ઘડીની મોંઘી ટિકિટ મેળવ્યા પછી આ પરિવાર બીજી માર્ચે ઇસ્તાંબુલથી ઉઝબેકિસ્તાન અને દિલ્હી થઈને ત્રીજી માર્ચે મુંબઈ પહોંચ્યો હતો. આ માટે પ્રતિટિકિટ ૮૫,૦૦૦થી ૯૦,૦૦૦ રૂપિયાની ટિકિટ, વીઝા-ફી અને અન્ય ખર્ચ મળીને કુલ ૪ લાખના ખર્ચે તેઓ મુંબઈ પહોંચ્યા હતા.

mumbai news mumbai gujaratis of mumbai gujarati community news iran israel united states of america middle east crisis