24 November, 2024 07:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
ગઈ કાલે વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં એ પહેલાં કોઈએ પણ નહોતું વિચાર્યું કે ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની મહાયુતિને આવી પ્રંચડ જીત હાંસલ થશે. રાજ્યના મોટા ભાગના રાજકીય પંડિતોને મહાયુતિ અને મહા વિકાસ આઘાડી વચ્ચે કાંટે કી ટકકર દેખાતી હતી.
લોકસભાની ચૂંટણી વખતે જો BJPને ૪૦૦ પાર સીટ મળી તો તેઓ બંધારણ બદલીને અનામત પાછી લઈ લેશે એવો નૅરેટિવ સેટ કરવામાં આવ્યો હતો અને એનો BJPને ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં બહુ જ જોરદાર ફટકો પડ્યો હતો.
વિધાનસભાની ચૂંટણીમાં પણ મહા વિકાસ આઘાડીએ પોતાને બંધારણના રક્ષક બતાવીને મતદારો પાસે મત માગ્યા હતા એટલું જ નહીં, આની સાથે તેમણે ખેડૂતોને સોયાબીન અને કપાસના ટેકાના ભાવ ન મળી રહ્યા હોવાનો ખાસ કરીને વિદર્ભ અને મરાઠવાડામાં જોરદાર મુદ્દો બનાવ્યો હતો. કેટલાય રાજકીય પંડિતોને એવું લાગવા લાગ્યું હતું કે સોયાબીન અને કપાસ આ ઇલેક્શનમાં મહાયુતિ માટે કાંદાવાળી તો નહીં કરેને. લોકસભાના ઇલેક્શન વખતે રાજ્યમાંથી કાંદાની નિર્યાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી અમુક બેઠકો પર ખેડૂતોના રોષનો નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)એ સામનો કરવો પડ્યો હતો. આ સિવાય રાજ્યના તમામ ઉદ્યોગો ગુજરાત લઈ જવામાં આવ્યા હોવાનો રાગ પણ મહા વિકાસ આઘાડી તરફથી આલાપવામાં આવ્યો હતો. આની પાછળ તેમની ગણતરી એવી હતી કે રાજ્યની સ્વાભિમાની જનતા આ વાતનો ચૂંટણીમાં બદલો લેશે. એમાં નોંધનીય વાત એ હતી કે મહા વિકાસ આઘાડીએ પોતાની સત્તાવાર જાહેરાતમાં પણ લખ્યું હતું કે મુંબઈથી હીરા ઉદ્યોગ ગુજરાત જતો રહ્યો છે, પણ આ ખોટી વાત છે. આજે પણ બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલું ભારત ડાયમન્ડ બુર્સ એટલું જ ધમધમે છે જેટલું પહેલાં હતું અને ત્યાંથી કોઈ વેપારીએ પોતાનું કામ ગુજરાત શિફ્ટ પણ નથી કર્યું.
મુંબઈની વાત કરીએ તો તેમણે BJP પર આરોપ મૂક્યો હતો કે એણે આ સપનાની નગરીને અદાણીને વેચી દીધી. તેમના આ નૅરેટિવનો ફાયદો ધારાવી પૂરતો જ થયો હોવાનું ગઈ કાલનાં પરિણામો પરથી દેખાય છે. મોંઘવારી, બેરોજગારી, મહિલાઓની સુરક્ષા જેવા મુદ્દાઓ પર પણ તેમણે ઇલેક્શન લડ્યું હતું.
જોકે આની સામે જીતની સુનામી લાવનારી BJPએ આ વખતે મહા વિકાસ આઘાડીના એક પણ નૅરેટિવને લોકોના મનમાં સેટ નહોતો થવા દીધો અને મતદારો સુધી આ વાત બોગસ છે એવો મેસેજ પહોંચાડ્યો હતો અને મહાયુતિ માટે માસ્ટર સ્ટ્રોક સાબિત થઈ મુખ્યમંત્રી લાડકી બહિણ યોજના અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સૂત્ર એક હૈં તો સેફ હૈં.
આ બે મુદ્દાએ મહાયુતિને અકલ્પનીય જીત અપાવી.