22 December, 2025 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુલુંડ-ઈસ્ટના હરિઓમનગરમાં રહેતાં ૮૨ વર્ષનાં ગુજરાતી મહિલાને ડિજિટલ અરેસ્ટના નામે ધમકાવીને ૪,૯૬,૦૦૦ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ મામલે નવઘર પોલીસે ઘટનાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ૧૫ ડિસેમ્બરે મહિલાને અજાણ્યા યુવકે ફોન કરીને પોતાની ઓળખ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ના અધિકારી તરીકે આપીને કહ્યું કે તમારા અકાઉન્ટમાં આતંકવાદી ફન્ડિંગ કરવામાં આવ્યું છે. એ પછી તેમને સુપ્રીમ કોર્ટના લેટરહેડ પર અરેસ્ટ વૉરન્ટ મોકલવામાં આવ્યું હતું. ત્યાર બાદ સતત ત્રણ દિવસ ડિજિટલ અરેસ્ટ કરવાનો દાવો કરીને પૈસા પડાવી લેવામાં આવ્યા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
શું હતો ઘટનાક્રમ?
નરીમાન પૉઇન્ટની એક કંપનીમાંથી રિટાયર થઈને મુલુંડમાં એકલાં રહેતાં ગુજરાતી મહિલાને ૧૫ નવેમ્બરે સવારે વૉટ્સઍપ પર વિડિયો-કૉલ કરીને એક વ્યક્તિએ પોતાની ઓળખ EDના અધિકારી તરીકે આપી હતી.
ફોન કરનાર વ્યક્તિએ મહિલાને વૉટ્સઍપ પર અમુક દસ્તાવેજ મોકલીને કહ્યું હતું કે તમારા નામે કેટલાંક બૅન્ક-અકાઉન્ટ ખોલવામાં આવ્યાં છે અને એ અકાઉન્ટમાં રહેલા પૈસાનો આતંકવાદી ફન્ડિંગમાં ઉપયોગ થયો છે એટલે તમારી સામે મની-લૉન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો છે.
જ્યારે મહિલાએ તમામ દાવા બોગસ હોવાનું કહીને પોતાનો બચાવ કરવાની કોશિશ કરી ત્યારે મહિલાને વૉટ્સઍપ પર સુપ્રીમ કોર્ટના લેટરહેડ પર અરેસ્ટ વૉરન્ટ મોકલવામાં આવ્યું હતું.
ત્યાર બાદ અન્ય એક મહિલાએ ગુજરાતી મહિલાને વૉટ્સઍપ પર વિડિયો-કૉલ કરીને પોતાની ઓળખ NIAનાં અધિકારી તરીકે આપી હતી અને સાથે આ કેસમાં મદદ કરવા અને વાસ્તવિક અરેસ્ટ ટાળવા માટે પૈસાની માગણી કરી હતી.
એકાએક આવેલા ફોનથી ગભરાઈ જતાં મહિલાએ વાસ્તવિક અરેસ્ટથી બચવા માટે પોતાનાં બન્ને
બૅન્ક-ખાતામાં રાખેલા પૈસા સાઇબર ગઠિયાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા.
૧૫થી ૧૭ ડિસેમ્બર સુધી મહિલાને ડિજિટલ અરેસ્ટ કરીને ૪,૯૬,૦૦૦ રૂપિયા પડાવી લીધા બાદ પણ વધુ પૈસાની માગણી કરવામાં આવતાં મહિલાએ દુબઈમાં રહેતા તેના દીકરાને ઘટનાની જાણ કરી એ પછી છેતરપિંડી થઈ હોવાનો ખુલાસો થયો હતો.
આ મામલે નવઘર પોલીસે મહિલાએ જે બૅન્ક-ખાતાંમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા એ અકાઉન્ટ ફ્રીઝ કરી દીધાં છે.