04 December, 2025 09:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
BMCએ કાર્યવાહી કર્યા બાદ મુલુંડના રસ્તા અને ફુટપાથ ચકાચક થઈ ગયાં હતાં.
મુલુંડમાં મંગળવારે બે ગુજરાતી ઍક્ટિવિસ્ટ પર હુમલો કરવાની અને ધમકાવવાની ઘટના સામે આવ્યા બાદ ગઈ કાલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના T વૉર્ડના અતિક્રમણ વિભાગે મુલુંડમાં ગેરકાયદે બેસતા ફેરિયાઓ પર જબરદસ્ત કાર્યવાહી કરી હતી. વહેલી સવારથી શરૂ થયેલી કાર્યવાહી મોડી રાત સુધી ચાલી હતી એટલું જ નહીં, ૮૦થી વધારે ફેરિયાઓનો માલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. BMCએ કરેલી કાર્યવાહીને મુલુંડની જનતાએ બિરદાવી હતી. જોકે આવી કાર્યવાહી સતત ચાલુ રાખવાની માગણી પણ કરવામાં આવી છે.
મંગળવારે અને ગઈ કાલે ફેરિયાઓનો માલ જપ્ત કરીને તમામ માલ કુર્લાના ગોડાઉનમાં મોકલી આપવામાં આવ્યો હતો જેથી જપ્ત કરેલો માલ ફેરિયાઓ છોડાવી ન શકે એમ જણાવતાં મુલુંડના T વોર્ડના અતિક્રમણ વિભાગના સિનિયર અધિકારી સંતોષકુમાર પાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુલુંડના ઍક્ટિવિસ્ટો પર મંગળવારે ફેરિયાઓએ કરેલા હુમલાની અને ધમકાવવાની ઘટના ખૂબ જ ગંભીર હતી એ જોતાં ગેરકાયદે રોડ અને ફુટપાથ કવર કરીને બેસતા ફેરિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગઈ કાલે સવારે ૭ વાગ્યાની આસપાસ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી જે મોડી રાત સુધી ચાલી હતી. આ કાર્યવાહીમાં ૮૦થી વધારે ફેરિયાઓનો માલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો તેમ જ તમામ જપ્ત કરેલો માલ મુલુંડના ગોડાઉનમાં ન મોકલતાં કુર્લાના ગોડાઉનમાં મોકલી દેવામાં આવ્યો હતો. આવતા દિવસોમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રહેશે.’
BMCના અધિકારીઓ દ્વારા કેમ કાર્યવાહી નથી કરવામાં આવતી?
T વૉર્ડના અતિક્રમણ વિભાગના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુલુંડના અતિક્રમણ વિભાગ પાસે ૪ હમાલ અને એક અધિકારી કાર્યવાહી માટે રાખવામાં આવ્યા છે તેમ જ કાર્યવાહી માટે અમારી પોતાની એક જ ગાડી છે. આ ઉપરાંત દિવસ દરમ્યાન બૅનર કાઢવાથી લઈને અન્ય કાર્યવાહીમાં અમારી ગાડી અને માણસો વાપરવામાં આવે છે ત્યારે ફેરિયાઓ પર કાર્યવાહી કરવી કઈ રીતે શક્ય થાય? નાગરિકો અને ઍક્ટિવિસ્ટોની ફરિયાદ અમે સાંભળીએ છે, પણ અમારી ફરિયાદ કોને કહેવા જઈએ? કારણ કે બધા વિભાગ પાસે સ્ટાફ ઓછો છે.’
ફેરિયાઓએ કરેલા હુમલા પછી વેપારીઓએ વ્યક્ત કરેલા આક્રોશ વિશેનો અહેવાલ ગઈ કાલના ‘મિડ-ડે’માં પ્રકાશિત થયો હતો.