29 October, 2025 02:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કારનાં ટાયર લૉક થઈ જવાથી પાછળ થયેલો ટ્રાફિક જૅમ.
મુલુંડ-વેસ્ટના એમ. જી. રોડ નજીક ગેરકાયદે પાર્ક કરવામાં આવેલી એક કારને ટો કરીને ટ્રાફિકચોકી લઈ જતી વખતે સ્ટેશન વિસ્તારમાં એનાં પાછલાં બન્ને ટાયર લૉક થઈ જતાં આશરે એકથી દોઢ કલાક સુધી સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં ટ્રાફિક થઈ ગયો હતો. ટ્રાફિક-વિભાગના નવા નિયમ મુજબ કારના દરવાજા ખોલવાની પરવાનગી ટો કરતી કંપનીને નથી. બીજી બાજુ મુલુંડના ટ્રાફિક-વિભાગની કાર ટો કરવા માટેની મોટી ટોઇંગ વૅન ખરાબ હોવાથી કાર રસ્તાની વચ્ચોવચ બંધ પડી જવાથી ટ્રાફિક-વિભાગના અધિકારીઓ માટે પણ સમસ્યા ઊભી થઈ હતી. અંતે ટ્રાફિક-વિભાગના અધિકારીઓએ જેમતેમ કરીને કારના માલિકનો સંપર્ક કર્યો હતો અને તેને બોલાવીને નાનો ફાઇન ભરીને કારને છોડી મૂકવામાં આવી હતી.
શું બની હતી ઘટના?
મુલુંડ ટ્રાફિક-વિભાગના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે બપોરે એક વાગ્યાની આસપાસ મુલુંડ-વેસ્ટના એમ. જી. રોડ પર નો-પાર્કિંગમાં પાર્ક કરવામાં આવેલી એક કાર ટોઇંગ ટીમ દ્વારા ટો કરવામાં આવી હતી. એમાં આગળનાં બન્ને ટાયર ટોઇંગ વૅન સાથે બાંધી કારને આગળ ખેંચીને એને સોનાપુર નજીક ટ્રાફિકચોકી પર લઈ જવામાં આવી રહી હતી એ વખતે સ્ટેશન નજીક એન. એસ. રોડ તરફ વળાંક લેવા જતાં કારનાં પાછળનાં ટાયર લૉક થઈ ગયાં હતાં. એને કારણે કાર આગળ વધતી બંધ થઈ હતી. એ સમયે ટોઇંગ વૅનના ઑપરેટર દ્વારા કારને આગળ ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કારનાં પાછળનાં ટાયર જમીન સાથે ઘસડાતાં હોવાથી કારને રસ્તાની વચ્ચે ઊભી રાખી દેવામાં આવી હતી.’
મોટી ટોઇંગ વૅન બંધ
મોટાં વાહનો ટો કરવા માટે રાખેલી મોટી ટોઇંગ વૅન બંધ હોવાથી સમસ્યામાં વધારો થયો છે એમ જણાવતાં મુલુંડ ટ્રાફિક-વિભાગના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કારનાં ટાયર રસ્તાની વચ્ચોવચ લૉક થઈ ગયાં હતાં એટલે કારને ત્યાંથી હટાવવી કોઈ રીતે શક્ય નહોતી. ઉપરાંત ટ્રાફિકના નિયમ મુજબ કારના દરવાજા અમે ખોલી શકતા નથી એટલે કાર ત્યાં જ ઊભી રાખવી પડી હતી. ત્યાર બાદ કારના નંબર પરથી કારમાલિકનો સંપર્ક કરીને તેને બોલાવવામાં આવ્યો હતો જ્યાં તેની પાસેથી નૉમિનલ દંડ લઈને કારને છોડી મૂકવામાં આવી હતી.’