01 August, 2026 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૃત્યુ પામેલા રમણીક દેઢિયા
મુલુંડ-વેસ્ટના ભક્તિ માર્ગ પર આવેલા વિકાસ પૅરૅડાઇઝ કૉમ્પ્લેક્સ ટાવર-૩માં રહેતા ૬૭ વર્ષના રમણીક દેઢિયાએ ગઈ કાલે પોતાના બિલ્ડિંગના ૧૩મા અને ૧૪મા માળ વચ્ચેની બારીમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના વિશે મુલુંડ પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમ્યાન પોલીસને રમણીકભાઈના ઘરના મંદિરમાંથી એક સુસાઇડ-નોટ મળી આવી છે જેમાં તેમણે પોતાની બીમારીથી કંટાળીને આ કદમ ઉઠાવ્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. જોકે બીજી તરફ પરિવારજનોએ દાવો કર્યો છે કે તેમને એવી કોઈ મોટી કે ગંભીર બીમારી નહોતી. ઉલ્લેખનીય છે કે રમણીકભાઈ પોતાના પરિવાર સાથે ડોમ્બિવલીમાં આવેલી ૫૦ વર્ષ જૂની પ્રખ્યાત લક્ષ્મી ફરસાણની દુકાન ચલાવતા હતા. અચાનક તેમણે કરેલી આત્મહત્યાથી સમગ્ર કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.
રમણીકભાઈના નાના ભાઈ પંકજ દેઢિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમુક સમયથી રમણીકને કફની તકલીફ રહેતી હતી જેના કારણે નાની બીમારીમાં પણ તેઓ ખૂબ ઊંડાણપૂર્વક વિચારવા લાગતા અને પરેશાન થઈ જતા હતા. છેલ્લા ચાર-પાંચ દિવસથી તેમને તાવ આવતો હોવાથી તેઓ દુકાને આવી શકતા નહોતા અને આ જ કારણે તેઓ સતત એવું વિચારીને ચિંતા કરતા હતા. ગઈ કાલે સવારે તેમણે મારા ભાભીને ‘ડ્રૅગન ફ્રૂટ ખાવું છે’ અેમ કહેતાં ભાભી માર્કેટમાં ફ્રૂટ લેવાં ગયાં હતાં. એ જ સમયે તેમણે તેની મોટી વહુને રોટલી બનાવી આપવા કહ્યું અને તે રોટલી બનાવતી હતી અે દરમ્યાન તે ઘરની બહાર નીકળી ગયા હતા. થોડી જ વારમાં સોસાયટીના લોકો પાસેથી તેમણે કૂદકો માર્યો હોવાની માહિતી મળી. અમે તાત્કાલિક નીચે જઈને જોયું તો તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.’
મુલુંડ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંતોષ ઘાટેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે રમણીકભાઈનો મૃતદેહ અમને સોસાયટીના પાર્કિંગ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. તેમના માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં હતા. અમે તાત્કાલિક તેમને ઇલાજ માટે હૉસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે તપાસ કરતી વખતે બિલ્ડિંગનાં CCTV કૅમેરાનાં ફુટેજ ચકાસતાં તેઓ ૧૩મા અને ૧૪મા માળ વચ્ચેના પૅસેજમાં આવેલી બારીમાંથી કૂદતા નજરે પડ્યા હતા. ઉપરાંત, તેમના ઘરના મંદિરમાંથી એક સુસાઇડ-નોટ પણ મળી આવી છે જેમાં તેમણે બીમારીથી પીડાતા હોવાના કારણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. હાલ આ કેસમાં આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’