17 October, 2026 09:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુલુંડ-વેસ્ટમાં ઝવેર રોડ પર આવેલું દેરાસર જ્યાં દીપકે આત્મહત્યા કરી.
મુલુંડ-વેસ્ટના ઝવેર રોડ પર આવેલા શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન દેરાસરમાં નોકરી કરતા ૨૪ વર્ષના દીપક ઠાકુરે ગઈ કાલે સવારે દેરાસરના પરિસરમાં સાડી વડે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ મામલે મુલુંડ પોલીસે ઍક્સિડેન્ટલ ડેથનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. દીપકનાં આવતાં મહિને લગ્ન નક્કી થયાં હતાં, જેના માટે તેણે ગુરુવારે જ મંદિરના ટ્રસ્ટીઓ તેમ જ અન્ય કર્મચારીઓને કંકોતરી આપીને મીઠાઈ વહેંચી હતી. દરમ્યાન, ગઈ કાલે સવારે ૮ વાગ્યાની આસપાસ સંઘના એક સભ્ય દેરાસરના બીજા માળે દીપકને રહેવા માટે આપેલી રૂમમાં પહોંચ્યા ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસે સ્થળ પરથી અમુક નશાકારક પદાર્થો પણ જપ્ત કર્યા છે, જેના આધારે દીપકે નશાની હાલતમાં આત્મહત્યા કરી હોવાનો પોલીસનો પ્રાથમિક અંદાજ છે.
શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના પ્રમુખ દીપક ગોસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા સંઘનો કર્મચારી દીપક દેરાસરમાં છેલ્લાં બે વર્ષથી નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યો હતો. બધા સાથેના તેના આત્મીય અને સૌહાર્દપૂર્ણ વ્યવહારને કારણે તે સૌનો પ્રિય બન્યો હતો અને લોકો તેને પ્રેમથી ‘ચેરી’ કહીને સંબોધતા હતા. ટૂંક સમયમાં જ દીપકનાં લગ્ન નિર્ધારિત થયાં હતાં, જેના માટે જરૂરી આર્થિક સહાય મેળવવા તેણે અમારા ચૅરિટેબલ ટ્રસ્ટ સમક્ષ લોન માટે અરજી કરી હતી, જે ટ્રસ્ટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી. ગુરુવારે જ તેણે બધાને લગ્નની કંકોતરી આપીને અને મીઠાઈ વહેંચીને પોતાના જીવનના આ આનંદમય પ્રસંગની ખુશી વહેંચી હતી. આવા આનંદના અવસરે અચાનક બનેલી આ કરુણ ઘટનાથી સંઘના તમામ લોકો ચોંકી ઊઠ્યા છે અને ઊંડા આઘાતમાં સરી પડ્યા છે.’