આ સેવાને વંદન છે: વર્ષીતપ પારણા મહામહોત્સવમાં આવેલા જૈનો માટે જિજ્ઞા ગાલા બન્યાં મદદગાર

20 April, 2026 07:03 AM IST  |  Mumbai | Mehul Jethva

જિજ્ઞા ગાલાએ પોતાની બે અને બીજી બે કાર લોકોને સ્ટેશનથી કાર્યક્રમના સ્થળ સુધી વિનામૂલ્ય પહોંચાડવા ઉપલબ્ધ કરી દીધી હતી

જિજ્ઞા ગાલા, તેમની કાર પર વિનામૂલ્ય સેવાનું સ્ટિકર તથા કાર્યક્રમના સ્થળ સુધી પહોંચવા મુલુંડ સ્ટેશનની બહાર કાર માટે રાહ જોતા લોકો.

મુલુંડમાં ગઈ કાલે યોજાયેલા વર્ષીતપ પારણા મહામહોત્સવમાં આવેલા જૈનો માટે જિજ્ઞા ગાલા બન્યાં મદદગાર : રેલવે સ્ટેશનની બહાર BMCનું કામ ચાલી રહ્યું છે, ટ્રાફિક થાય છે, પારણાસ્થળ દોઢેક કિલોમીટર દૂર છે અને રિક્ષાવાળા આવવાની ના પાડે તો ખાસ કરીને સિનિયર સિટિઝનો હેરાન થઈ જાય એમ વિચારીને જિજ્ઞા ગાલાએ પોતાની બે અને બીજી બે કાર લોકોને સ્ટેશનથી કાર્યક્રમના સ્થળ સુધી વિનામૂલ્ય પહોંચાડવા ઉપલબ્ધ કરી દીધી હતી

મુલુંડ-વેસ્ટના LBS માર્ગ પર આવેલા રિચર્ડસન ઍન્ડ ક્રુડાસ ગ્રાઉન્ડ ખાતે ગઈ કાલે સવારે શ્રી અખિલ ભારત અચલગચ્છ (વિધિપક્ષ) શ્વેતામ્બર જૈન સંઘ દ્વારા ભવ્ય વર્ષીતપ પારણા મહામહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશરે 1049 જેટલાં પારણાં થવાને કારણે માત્ર મુલુંડ જ નહીં, ઈસ્ટર્ન અને વેસ્ટર્ન સબર્બ્સમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા, પરંતુ કાર્યક્રમનું સ્થળ સ્ટેશનથી દોઢેક કિલોમીટર દૂર હોવાને કારણે બહારથી આવતા લોકોએ ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. મુલુંડ સ્ટેશનની બહાર ચાલી રહેલા સમારકામ તેમ જ નજીકના રસ્તાઓ પર વધેલા ટ્રાફિકને કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. ખાસ કરીને રિક્ષાવાળાઓએ કાર્યક્રમના સ્થળ સુધી જવા માટે ના પાડતાં સ્ટેશન પર ઊતરેલા અનેક લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. આવી પરિસ્થિતિમાં મુલુંડમાં રહેતાં જિજ્ઞા ગાલાએ માનવતાનો ઉત્તમ દાખલો રજૂ કર્યો હતો. વર્ષીતપમાં આવનારા શ્રદ્ધાળુઓને મુશ્કેલી ન પડે એ માટે તેમણે પોતાની તથા પોતાના સંબંધીઓની ૪ કાર શ્રદ્ધાળુઓની સેવામાં મૂકી દીધી હતી. એ કારમાં સ્ટેશનથી કાર્યક્રમના સ્થળ સુધી વિનામૂલ્ય સેવા આપવામાં આવી હતી અને એનાથી અનેક લોકો સમયસર અને સહેલાઈથી કાર્યક્રમમાં પહોંચી શક્યા હતા.

મુલુંડ રેલવે સ્ટેશન નજીક તેમ જ એન. એસ. રોડ પર BMC દ્વારા રસ્તાનું સમારકામ અને વિકાસનાં કામ હાથ ધરવામાં આવ્યાં છે. આ કામગીરીને કારણે અનેક વિસ્તારોમાં બૅરિકેડિંગ કરવામાં આવ્યું છે અને સ્ટેશનની એક બાજુનો માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ પરિસ્થિતિને કારણે વાહનવ્યવહાર ખૂબ જ પ્રભાવિત થયો હતો. સ્ટેશનથી ચાલતી બસ-સર્વિસ પણ સ્થગિત કરવામાં આવી છે જેને કારણે પ્રવાસીઓને વૈકલ્પિક વ્યવસ્થા મળવી મુશ્કેલ બની હતી. ભારે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને રિક્ષાવાળાઓએ સ્ટેશન વિસ્તારમાં આવવાનું ટાળ્યું હતું એને પરિણામે સ્ટેશનથી દોઢ કિલોમીટર દૂર આવેલા કાર્યક્રમના સ્થળ સુધી પહોંચવા માટે જૈનોને ભારે હાલાકી વેઠવી પડી હતી.

આ મુશ્કેલ પરિસ્થિતિમાં માનવતાભર્યો અભિગમ અપનાવનાર મુલુંડમાં રહેતાં જિજ્ઞા ગાલાએ ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘શનિવારે રાતે મારા ધ્યાનમાં આવ્યું કે સ્ટેશનથી કાર્યક્રમ-સ્થળ સુધી પહોંચવામાં લોકોને ભારે મુશ્કેલી પડશે. ખાસ કરીને સિનિયર સિટિઝન્સ માટે ચાલીને જવું વધુ કઠિન બનશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મેં મારી બે કાર અને અન્ય બે વાહનોની વ્યવસ્થા કરી હતી. સવારે ૭ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી મેં સતત સ્ટેશનથી લોકોને કાર્યક્રમના સ્થળ સુધી પહોંચાડવાની વિનામૂલ્ય સેવા આપી હતી. આ સેવાનો આશરે ૫૦૦ જેટલા લોકોએ લાભ લીધો હતો.’

mumbai news mumbai mehul jethva jain community gujaratis of mumbai gujarati community news mulund