✕

ઘરનો સામાન ‌‌શિફ્ટ કરવા બોલાવેલા કામદારો ૯+ લાખ રૂ‌પિયાના દાગીના ચોરીને પલાયન થઈ ગયા

22 November, 2026 09:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુલુંડનાં ગુજરાતી ‌સિ‌નિયર ‌‌સિ‌ટિઝન મ‌હિલા સાથે બની ચોંકાવનારી ઘટના : પોલીસે તાત્કા‌લિક કાર્યવાહી કરીને બધાને પકડ્યા અને ૯૦ ટકા માલમતા ‌રિકવર કરી

AI ઇમેજ

મુલુંડ-વેસ્ટના આર.આર.ટી. રોડ પર આવેલી તેરાવાલા બિલ્ડિંગમાંથી ઘરના શિફ્ટિંગ દરમ્યાન ૯,૧૦,૦૦૦ રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરાઈ ગયા હોવાના મામલે મુલુંડ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ચારેય આરોપીની ગઈ કાલે ધરપકડ કરી લીધી છે. BMCના T વૉર્ડે મુલુંડના આર.આર.ટી રોડ પર આવેલી તેરાવાલા બિલ્ડિંગને C-1 કૅટેગરીમાં અત્યંત જોખમી જાહેર કરી હતી તેથી તેરાવાલા બિલ્ડિંગમાં રહેતા ૭૦ વર્ષનાં સાધના આઇયાએ ૧૮ નવેમ્બરે સામાન ‌શિફ્ટ કરવાનું આયોજન કર્યું હતું એ દરમ્યાન ‌શિ‌ફ્ટિંગ કરવા આવેલા ૪ લોકોએ મોકાનો લાભ લઈ દાગીના સેરવી લીધા હતા, જોકે આ કેસમાં પોલીસે તાત્કાલિક તપાસ કરીને ચોરી થયેલા માલની ૯૦ ટકા માલમતા રિકવરી કરી લીધી છે.

શું બન્યું હતું?

સાધના આઇયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અગાઉ અમે તેરાવાલા બિલ્ડિંગના ત્રીજા માળે રૂમ નંબર ૭માં રહેતા હતા, પરંતુ આ બિલ્ડિંગ રીડેવલપમેન્ટમાં જતાં ૧૮ નવેમ્બરે અમે વી.પી. રોડ સ્થિત એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરના મકાનમાં સામાન ખસેડવાનું નક્કી કર્યું હતું. સામાન શિફ્ટ કરવા માટે અમે અમારા એક પરિચિતનો સંપર્ક કર્યો હતો, તેમણે બપોરે ૪.૩૦ વાગ્યે ટેમ્પો અને ૪ કામદારો મોકલ્યા હતા. કામદારોએ સામાન બાંધવાનું શરૂ કર્યા બાદ અચાનક કામ અટકાવી દીધું હતું અને ટેમ્પો લઈને નીકળી ગયા હતા. ત્યાર બાદ સામાન ગોઠવતી વખતે બૅગમાં અૅલ્યુમિનિયમની પેટીમાં રાખેલા દાગીના તપાસતાં એ ગાયબ જણાયા હતા. ચોરાયેલા દાગીનામાં ૪.૪૦ લાખ રૂપિયાની ૪૦ ગ્રામની બે સોનાની બંગડી, ૧.૧૦ લાખ રૂપિયાની ૧૦ ગ્રામની પ્લાસ્ટિક કવરવાળી બે બંગડી, ૧.૭૦ લાખ રૂપિયાની ૨૦ ગ્રામની ડાયમંડજડિત બે સોનાની બુટ્ટી, ૧.૧૦ લાખ રૂપિયાની ૧૫ ગ્રામની સોનાની વીંટી અને ૮૦ હજાર રૂપિયાની ચાંદીની કાન તથા ગળાની ચેઇન મળી કુલ ૯,૧૦,૦૦૦ રૂપિયાની મતાનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં મેં મુલુંડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’

પોલીસે શું કહ્યું?

મુલુંડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં ચારેય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને અત્યાર સુધીમાં ૯૦ ટકા ચોરી થયેલી માલમતા રિકવર કરી લેવામાં આવી છે. બાકીની રિકવરી અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.’

mumbai crime news Crime News mumbai police mumbai news mumbai mulund