આ કચ્છી ગર્લે સ્પોર્ટ્‍સમાં અનોખી કેડી કંડારી છે

27 July, 2026 01:12 PM IST  |  Mumbai | Darshini Vashi

૨૮ વર્ષની મૈત્રી ગાલા નૅશનલ લેવલની જુનિયર મહિલા હૉકી ટીમની ફિઝિયોથેરપિસ્ટ બની છે

મૈત્રી ગાલા

મુલુંડની કચ્છી યુવતી મૈત્રી ગાલાએ નૅશનલ લેવલની જુનિયર મહિલા હૉકી ટીમની પહેલી ફિઝિયોથેરપિસ્ટ બનીને એક નવી ગાથા લખી છે. મૈત્રી કહે છે, ‘ગયા મહિને જ મારી ફિઝિયોથેરપિસ્ટ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે, જેનાથી હું અત્યંત ખુશ છું અને મને દેશની ટીમ માટે જે જવાબદારી સોંપવામાં આવી છે એ પરિપૂર્ણ કરવા માટે ખૂબ જ મહેનત પણ કરી રહી છું. મારા માટે અહીં સુધી પહોંચવું સરળ નહોતું. અનેક વર્ષોની મહેનત અને અનુભવ, સ્ટેટ લેવલની વિવિધ ટીમનું પ્રતિનિધિત્વ ઉપરાંત અનેક પરીક્ષાઓમાં પાસ થયા બાદ મને આ સ્તરે આવવાનો મોકો મળ્યો છે. તમે જેમ-જેમ આગળ વધો તેમ તમારી જવાબદારી અને કામ પણ વધે છે. ફિઝિયોથેરપિસ્ટ તરીકે મારે ગ્રાઉન્ડ પર સતત ઊભા રહેવું પડે છે. જ્યારે હૉકીની મૅચ ચાલતી હોય અથવા તો ખેલાડીઓ ફીલ્ડ પર પ્રૅક્ટિસ કરી રહ્યા હોય ત્યારે મારે સતત ફીલ્ડ પર હાજર રહેવું પડે છે. પહેલાં મારે ઓપન ગ્રાઉન્ડ વર્ક ઓછું હતું, હવે સંપૂર્ણપણે આવી ગયું છે. જોકે મને કોઈ વાંધો નથી. મને તો રોજ નવું-નવું શીખવા અને જાણવા મળે છે એટલે મને તો મજા જ આવી રહી છે. મારે હજી આગળ આવવું છે અને એક એવા લેવલ પર પહોંચવું છે જેનાથી માત્ર મારી ફૅમિલી કે સમાજનું જ નહીં, આપણા દેશનું પણ માન વધારી શકું.’

અલગ-અલગ રમતો

અગાઉ પણ દેશની વિવિધ સ્ટેટની અલગ-અલગ સ્પોર્ટ્‍સની ટીમમાં ફિઝિયોથેરપિસ્ટ તરીકે કામ કરી ચૂકેલી ૨૮ વર્ષની મૈત્રી કહે છે, ‘આ અગાઉ હું ઓડિશાના ભુવનેશ્વર ખાતે આવેલા કલિંગ સ્ટેડિયમમાં ઓડિશા નેવલ તાતા હૉકી હાઈ પર્ફોર્મન્સ સેન્ટરમાં સ્પોર્ટ્‍સ ફિઝિયોથેરપિસ્ટ તરીકે કામ કરતી હતી. સ્પોર્ટ્‍સ ફિઝિયોથેરપિસ્ટ તરીકે મને અનેક રમતગમતની સાથે સંકળાવાનો મોકો મળ્યો છે. હું ઓડિશાની ટીમનું અને અમારી ઍકૅડેમીની ટીમનું ફિઝિયોથેરપિસ્ટ તરીકે પ્રતિનિધિત્વ કરી ચૂકી છું; જેનાથી મને અલગ-અલગ લોકોને મળવાનો, 
નવું-નવું શીખવાનો મોકો મળ્યો છે તથા અલગ-અલગ રાજ્ય અને દેશમાં જઈને અનેક અનુભવો મળ્યા છે. જેમ કે મને કઝાખસ્તાનમાં ૨૧મી અન્ડર-20 વિમેન્સ વૉલીબૉલ ચૅમ્પિયનશિપમાં ભાગ લેનારી ભારતીય ટીમની મુખ્ય ફિઝિયોથેરપિસ્ટ તરીકે આપણા દેશ તરફથી પ્રતિનિધિત્વ કરવાનો સુવર્ણ મોકો મળ્યો હતો. આ સિવાય આપણા દેશની સૌથી પ્રિય સ્પોર્ટ્‍સ ક્રિકેટ સાથે પણ મને જોડાવાનો મોકો મળ્યો હતો. ૨૦૨૨-૨૩ની મુંબઈ ઇન્ડિયન્સ જુનિયર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઑન-ફીલ્ડ સ્પોર્ટ્‍સ ફિઝિયોથેરપિસ્ટ તરીકે યોગદાન આપવાનો મોકો મળ્યો હતો. આ સિવાય નૅશનલ વ્હીલચૅર ફેન્સિંગ ચૅમ્પિયનશિપ, ઑલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ઍથ્લેટિક્સ (વિમેન્સ) ચૅમ્પિયનશિપ, સિનિયર નૅશનલ વૉલીબૉલ (મેન્સ ઍન્ડ વિમેન્સ) ચૅમ્પિયનશિપ, ઓડિશા સ્ટેટ બૅડમિન્ટન ચૅમ્પિયનશિપ જેવી અનેક ઇવેન્ટમાં મને તક મળી છે.’

નાનપણથી રમવાનો શોખ

સ્પોર્ટ્‍સ ફિઝિયોથેરપિસ્ટ જેવા થોડા ડિફરન્ટ કહી શકાય એવા ફીલ્ડની કેમ પસંદગી કરી એ વિશે મૈત્રી ગાલા કહે છે, ‘નાનપણથી તમને જે ક્ષેત્રમાં રસ હોય અને એમાં તમને આગળ જતાં કરીઅર બનાવવાની તક મળે તો એનાથી શ્રેષ્ઠ તમારા માટે કોઈ કામ હોતું નથી. હું પોતે સ્પોર્ટ્‍સ-લવર છું. એટલે હું ઝડપથી આ ક્ષેત્રની સાથે જોડાઈ શકી હતી. નાનપણથી રમવાનો ખૂબ જ શોખ. હું સ્કૂલમાં હતી ત્યારે દરેક સ્પોર્ટમાં ભાગ લેતી. મને સ્કૂલની ખો-ખો અને કબડ્ડી જેવી રમતોમાં કૅપ્ટન તરીકે નિયુક્ત કરીને અમારી ટીમને સ્ટેટ લેવલ પર રમવા માટે પસંદ પણ કરવામાં આવી હતી, પણ હું ભણવામાં ખૂબ જ હોશિયાર હોવાથી મેં ભણતર પર વધુ ફોકસ કરવાનું પસંદ કર્યું હતું. દસમા ધોરણની પરીક્ષામાં મેં ૯૬ ટકા મેળવ્યા હતા. બારમા ધોરણની એક્ઝામ આપ્યા બાદ લોકમાન્ય તિલક મ્યુનિસિપલ મેડિકલ કૉલેજમાં મેરિટ પર પ્રવેશ મેળવ્યો હતો. ભણવા પર વધુ ફોકસ કરવાથી હું સ્પોર્ટ્‍સથી દૂર થતી ગઈ, પણ એમ છતાં મનના ખૂણે સ્પોર્ટ્‍સ પ્રત્યેનો પ્રેમ અને ખેચાણ અકબંધ હતાં. એટલે જ્યારે મારે કરીઅર બનાવવા માટેનો વિકલ્પ પસંદ કરવાનો વારો આવ્યો ત્યારે મેં સ્પોર્ટ્‍સ ફિઝિયોથેરપિસ્ટ બનવાનું પસંદ કર્યું, જેના લીધે હું મારી કરીઅર બનાવવાની સાથે સ્પોર્ટ્‍સ સાથે પણ સંકળાયેલી રહી શકું. એટલે મેં ઓડિશામાં આવેલી અભિનવ બિન્દ્રા સ્પોર્ટ્‍સ મેડિસિન ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્પોર્ટ્‍સ ફિઝિયોથેરપિસ્ટમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી. મને મારા પેરન્ટ્સ અને ગુરુઓનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે, જેના લીધે હું આજે આ મુકામ પર આવી શકી છું.’

mulund kutchi community gujaratis of mumbai mumbai mumbai news darshini vashi