03 July, 2025 06:58 AM IST | Mumbai | Mehul Jethva
આરતીબહેન જે બિલ્ડિગંમાં રહેતાં હતાં એ સાનુ બિલ્ડિંગ, આરતી શાહ
મુલુંડ-વેસ્ટના સેવારામ લાલવાણી રોડ પરના સાનુ બિલ્ડિંગમાં ત્રીજા માળે રહેતાં ૪૪ વર્ષનાં આરતી શાહે સોમવારે બપોરે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આરતીબહેન મુલુંડની નવભારત સ્કૂલનાં શિક્ષિકા હતાં. સોમવારે બપોરે સ્કૂલમાંથી હસતા મોઢે સ્કૂલના સ્ટાફને બાય કરીને તેઓ ઘરે આવવા નીકળ્યાં હતાં. દરમ્યાન બપોરે દોઢ વાગ્યે દીકરા હેતને ફોન કરીને ‘ઘરે આવ, સાથે લંચ કરીશું’ કહીને તેમણે આપઘાત કરી લીધો હતો. આરતીબહેને આપઘાત પહેલાં પોતાને જ વૉટ્સઍપ-મેસેજમાં ‘મારા મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી’ એવું લખ્યું હતું. આરતીબહેને કરેલા આપઘાત બાદ કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજમાં દુઃખની લાગણી પ્રસરી છે.
મારી મમ્મી સાથે ‘ઘરે આવ, આપણે સાથે લંચ કરીશું’ એટલી છેલ્લી વાત થઈ હતી એમ જણાવતાં આરતીબહેનના દીકરા હેત શાહે ઘટનાક્રમની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સવારે પપ્પા ઑફિસ ગયા હતા અને હું કૉલેજ ગયો હતો. રોજિંદા ક્રમ અનુસાર મમ્મી પણ સ્કૂલ ગઈ હતી. ત્યાર બાદ બપોરે મને મમ્મીનો ફોન આવ્યો હતો અને તેમણે ક્યાં છે એમ પૂછતાં મેં કૉલેજમાં હોવાનું કહેતાં તેમણે મને કહ્યું હતું કે ઘરે આવ, આપણે સાથે લંચ કરીશું. કૉલેજમાંથી છૂટ્યા બાદ હું અઢી વાગ્યે ઘરે પહોંચ્યો ત્યારે દરવાજો બંધ હતો. અંદર જઈને જોતાં મમ્મીએ ગળાફાંસો ખાઈ લીધો હતો. એ જોઈને હું શૉક થઈ ગયો હતો. તાત્કાલિક પાડોશીઓ ભેગા થયા અને પોલીસને જાણ કરી હતી. મમ્મીને ઉતારીને પોલીસ અગ્રવાલ હૉસ્પિટલ લઈ ગઈ હતી જ્યાં ડૉક્ટરે મમ્મીને મૃત્યુ પામેલી જાહેર કરી હતી. મમ્મીએ શા માટે આવું પગલું ભર્યું એના વિચાર સતત આવી રહ્યા છે. હાલમાં અમે ઘણા ડિસ્ટર્બ છીએ.’
નવભારત સ્કૂલનાં આચાર્યા હેમાલી ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરતીબહેન છેલ્લાં ૯ વર્ષથી અમારી સ્કૂલ સાથે જોડાયેલાં હતાં. તેઓ અંગ્રેજી માધ્યમમાં પ્રી-પ્રાઇમરી વિભાગનાં ખૂબ સારાં ટીચર હતાં. સોમવારે બપોરે પણ તેઓ સ્કૂલમાં નિત્યક્રમ પ્રમાણે પોતાની ફરજ બજાવીને હસતાં-હસતાં અમને સૌને બાય કહીને ઘરે જવા નીકળ્યાં હતાં. અચાનક તેમણે આવું પગલું શા માટે ભર્યું એ હજી પણ અમને સમજાતું નથી. ગઈ કાલે તેમની અંતિમયાત્રા વખતે તેમના ઘરે જઈને મારા સહિત સ્કૂલના સ્ટાફ અને ટ્રસ્ટીએ શ્રદ્ધાંજલિ આપી હતી.’
મુલુંડનાં પોલીસ-ઇન્સ્પેક્ટર પૂજા ધાકતોડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતી અનુસાર અમે આકસ્મિક મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ કરી રહ્યાં છીએ. આત્મહત્યા કરનાર મહિલાએ કોઈ સુસાઇડ-નોટ લખી નથી, પણ તેમણે આપઘાત પહેલાં પોતાને જ વૉટ્સઍપ-મેસેજ કરીને પોતાના મૃત્યુ માટે કોઈ જિમ્મેદાર નથી એવો મેસેજ લખ્યો હતો. આ કેસમાં એવું તે શું કારણ હતું જેને લીધે મહિલા શિક્ષિકાએ આત્મહત્યા કરી એ જાણવાની અમે કોશિશ કરી રહ્યાં છીએ.’