01 August, 2026 11:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પત્ની સાથે થયેલા ઝઘડા બાદ પોતાના ૧૦ વર્ષના દીકરાને દરિયામાં ડુબાડી દેવાના આરોપસર ૪૦ વર્ષના આરોપીની મુંબઈ પોલીસે શુક્રવારે ધરપકડ કરી છે.
આરોપીનું નામ બંટી રાવ છે. તે મલાડ ઉપનગરના માલવણી વિસ્તારનો રહેવાસી છે અને જુહુ બીચ પર ફ્રીલાન્સ ફોટોગ્રાફર તરીકે કામ કરે છે. પોલીસના જણાવ્યા અનુસાર બંટી અને તેની પત્ની વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક સમયથી તંગ હતા.
મંગળવારે પત્ની સાથે ઉગ્ર બોલાચાલી બાદ બંટી તેના દીકરાને ફેરી બોટમાં બેસાડીને શહેરના પશ્ચિમ કિનારે આવેલા ગોરાઈ લઈ ગયો હતો. ત્યાં જમ્યા બાદ તેણે બાળકને કિનારાના એકાંત સ્થળે લઈ જઈને તેનું માથું પાણીમાં ડુબાડીને મોતને ઘાટ ઉતારી દીધો અને ત્યાંથી ફરાર થઈ ગયો.
બુધવારે બાળકનો મૃતદેહ કિનારે તણાઈને આવતાં પોલીસ સામે તેની મમ્મીએ ઓળખી કાઢ્યો હતો. મમ્મીએ માલવણી પોલીસ-સ્ટેશનમાં દીકરાના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં બંટી તેના દીકરા સાથે જોવા મળ્યો હતો. લાઇફગાર્ડે પોલીસને જણાવ્યું કે તેમણે બંટી રાવને પ્રવાસીઓ માટે પ્રતિબંધિત એવી જોખમી જગ્યાએ ન જવાની ચેતવણી આપી હતી. પૂછપરછ દરમ્યાન બંટી રાવે ગુનો કબૂલી લીધો છે.