સી. પી. ટૅન્ક સર્કલ પાસે સ્કૂટર સ્લિપ થયું અને પાછળ બેસેલી ૧૮ વર્ષની સિયા મહેતા રસ્તા પર ફેંકાઈ ગઈ
સિયા મહેતાએ સી. પી. ટૅન્ક સર્કલ પાસે ગઈ કાલે ટેમ્પોને ઓવરટેક કરવાના પ્રયાસમાં થયેલા અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો.
દક્ષિણ મુંબઈના સી. પી. ટૅન્ક વિસ્તારમાં ગઈ કાલે બપોરે બે વાગ્યે એક
ચોંકાવનારી ઘટના બની હતી. ફ્રેન્ડ સાથે સ્કૂટર પર જઈ રહેલી ૧૮ વર્ષની સિયા મહેતા નામની ટીનેજર બાજુમાંથી પસાર થઈ રહેલા ટેમ્પોના ટાયરની નીચે કચડાઈ ગઈ હતી. આ બનાવમાં સિયાએ ગણતરીની સેકન્ડમાં જ જીવ ગુમાવ્યો હતો. સિયા દેરાવાસી જૈન પરિવારની હતી અને તેના ઘરમાં અત્યારે મોટા ભાગના લોકોનાં વર્ષીતપ ચાલી રહ્યાં છે ત્યારે જ આ ઘટના બનવાથી અરેરાટી વ્યાપી ગઈ છે. સિયા કે તેની ફ્રેન્ડ બન્નેમાંથી કોઈએ હેલ્મેટ નહોતી પહેરી. વી. પી. રોડ પોલીસે સિયા મહેતાનો આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.
વી. પી. રોડ પોલીસના જણાવ્યા મુજબ ખેતવાડીમાં જરીવાલા બિલ્ડિંગમાં રહેતી સિયા મહેતા બપોરે બે વાગ્યે સી. પી. ટૅન્ક સર્કલમાં બાફના બિલ્ડિંગ પાસેથી સ્કૂટર પર તેની ફ્રેન્ડ સાથે પાછળની સીટમાં બેસીને પ્રવાસ કરી રહી હતી. એક ટેમ્પો જઈ રહ્યો હતો એની ડાબી બાજુએથી ઓવરટેક કરવા માટે સ્કૂટર આગળની તરફ વધ્યું હતું અને એ ટેમ્પોની લગોલગ પહોંચી ગયું હતું ત્યારે અચાનક સ્કૂટર સ્લિપ થઈ જતાં પાછળ બેસેલી સિયા ઊછળીને રસ્તાની વચ્ચે પડી હતી. આથી બાજુમાંથી જઈ રહેલા ટેમ્પોના ટાયરની નીચે આવી જવાથી સિયા કચડાઈ ગઈ હતી. ટેમ્પોના ટાયર પાસે સિયાની ફ્રેન્ડ પણ પડી હતી, પરંતુ તે સહેજમાં બચી ગઈ હતી. જીવ ગુમાવનારી સિયા કે તેની ફ્રેન્ડ બન્નેમાંથી કોઈએ હેલ્મેટ નહોતી પહેરી.
સિયા મહેતાનો પરિવાર મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોર શહેર નજીકના અરણાય ગામનો છે અને ખેતવાડીમાં રહે છે. સિયા બપોરના સમયે તેની ફ્રેન્ડ સાથે સ્કૂટર પર ક્લાસિસમાં જવા માટે નીકળી હોવાનું જાણવા મળ્યું હતું. સિયાના મૃતદેહને પોલીસે જે. જે. હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટમૉર્ટમ બાદ સિયાના પાર્થિવ દેહને તેના પરિવારને મોડી સાંજે સોંપવામાં આવ્યો હતો અને રાતે જ તેની અંતિમક્રિયા કરવામાં આવી હતી.