16 February, 2026 11:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકબીજાની પાસે-પાસે પાર્ક કરાયેલાં ટૂ-વ્હીલર્સમાં ઝડપથી આગ ફેલાઈ ગઈ હતી (ડાબે), આગમાં બળી ગયેલાં ટૂ-વ્હીલર્સનો ભંગાર (જમણે)
ડોમ્બિવલી-ઈસ્ટના છેડાનગરમાં આવેલી રવિકિરણ સોસાયટીના બેઝમેન્ટ પાર્કિંગમાં રવિવારે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતાં રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટના સવારે ૪:૧૫ વાગ્યાની આસપાસ બની હતી જ્યારે મોટા ભાગના પરિવારો સૂઈ રહ્યા હતા. આ ઘટનામાં ૪૦ ટૂ-વ્હીલર બળીને ખાખ થઈ ગયાં હતાં.
ડોમ્બિવલીના સાગાંવ વિસ્તારમાં જય ભારત સ્કૂલ પાસેની સોસાયટીના ટૂ-વ્હીલર પાર્કિંગ ઝોનમાં આગ ફાટી નીકળ્યા બાદ ગાઢ ધુમાડો ફેલાઈ ગયો હતો. થોડી વારમાં જ આગે મોટું સ્વરૂપ પકડી લીધું હતું. એકબીજા પાસે નજીક-નજીક પાર્ક કરેલાં ૪૦ ટૂ-વ્હીલર એમાં બળીને ખાખ થઈ ગયાં હતાં.
ભરઊંઘમાં સૂતેલા રહેવાસીઓએ કડાકા-ભડાકાના અવાજો સાંભળ્યા હતા અને ત્યાર બાદ દાદરા પર અને કૉરિડોરમાં ગાઢ ધુમાડો ફેલાયેલો જોવા મળ્યો હતો. આગની તીવ્રતાને કારણે રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘણા લોકો અંધારામાં તેમના ફ્લૅટમાંથી બહાર દોડી આવ્યા હતા. પહેલા માળે રહેતા એક રહેવાસીએ ગભરાઈને નીચે કૂદકો મારતાં તેને ઈજા થઈ હતી. આ અંધાધૂંધીમાં ધુમાડો શ્વાસમાં લેવાથી અને દાઝી જવાથી કુલ પાંચ રહેવાસીઓને નાની-મોટી ઈજા થઈ હતી. કેટલાક ઘાયલોને સારવાર માટે નજીકની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ સ્થિર હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું.
આગ લાગ્યાની માહિતી મળતાં ફાયર-બ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તેમણે પાણીનો મારો ચલાવીને સમયસર આગને ઇમારતના ઉપરના માળ સુધી ફેલાતી અટકાવી હતી એટલે મોટી હોનારત થતાં રહી ગઈ હતી. કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસપલ કૉર્પોરેશન (KDMC)ના એક ઑફિસરે કહ્યું હતું કે ઇમારતનું સ્ટ્રક્ચર અકબંધ છે, એને નુકસાન થયું નથી પણ બેઝમેન્ટને નુકસાન થયું છે.
આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પ્રાથમિક અનુમાન મુજબ પાર્ક કરેલાં વાહનોમાંથી એકમાં શૉર્ટ-સર્કિટ થયાનું કહેવાય છે. આગ કેવી રીતે લાગી અને પાર્કિંગ વિસ્તારમાં સલામતીનાં ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું કે કેમ એ જાણવા માટે વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે.