ફર્સ્ટ ક્લાસનો ડબ્બો ચૂકી ગયા જનરલ ડબ્બામાં ચડતી વખતે હૅન્ડલ ન પકડી શક્યા અને મોતને ભેટ્યા

11 April, 2026 11:33 AM IST  |  Mumbai | Rohit Parikh

મુલુંડના કચ્છી વેપારી ગુરુવારે સાંજે ક્રૉફર્ડ માર્કેટ જઈ રહ્યા હતા ત્યારે પ્લૅટફૉર્મ પરથી પડીને લોકલ ટ્રેનની નીચે આવી ગયા

કીર્તિ વીરા

સાઉથ મુંબઈની ક્રૉફર્ડ માર્કેટમાં ડેરી પ્રોડક્ટ્સ અને અન્ય હોટેલની આઇટમના વેપારી ૭૧ વર્ષના કીર્તિ વીરા ગુરુવારે સાંજે ૫.૩૦ વાગ્યે મુલુંડના ૪ નંબરના પ્લૅટફૉર્મ પરથી ફાસ્ટ લોકલ ટ્રેન પકડવાના પ્રયાસમાં ટ્રેનની નીચે ગબડી જતાં મૃત્યુ પામ્યા હતા. તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે સામાન્ય સંજોગોમાં કીર્તિભાઈ મુલુંડથી સાંજે ૪ વાગ્યાની લોકલ ટ્રેન પકડીને મસ્જિદ બંદર જતા હતા. બનાવના દિવસે તેમને ઊંઘ આવી જતાં તેઓ ઘરેથી મોડા નીકળ્યા હતા અને ટ્રેન-ઍક્સિડન્ટનો ભોગ બન્યા હતા.

કચ્છી વીસા ઓસવાળ જૈન કીર્તિ વીરાના અકસ્માત સંદર્ભે મુલુંડની ગવર્નમેન્ટ રેલવે પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કીર્તિ વીરા સાંજે ૫.૩૦ વાગ્યે મુલુંડના ચાર નંબરના પ્લૅટફૉર્મ પરથી થાણેથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જતી ટ્રેન પકડવા ગયા હતા. જોકે ફર્સ્ટ ક્લાસનો ડબ્બો ચૂકી જતાં જનરલ ડબ્બામાં ચડવા જતા હતા પણ ડબ્બાના દરવાજાનું હૅન્ડલ પકડી ન શક્યા એને કારણે પ્લૅટફૉર્મ પરથી પડીને ટ્રેનની નીચે ગબડી ગયા હતા. એમાં તેમનો જમણો પગ ઢીંચણથી કપાઈ ગયો હતો અને ડાબા પગનો હિપ-બૉલ તૂટી ગયો હતો. અમે તેમને બેભાન હાલતમાં મુલુંડની અગ્રવાલ હૉસ્પિટલમાં  લઈ ગયા હતા જ્યાં ડૉક્ટરોએ ઇન્જેક્શન આપી અને ઑક્સિજન પર રાખીને તેમની સારવાર શરૂ કરી હતી.’

પોલીસે વધુમાં કહ્યું હતું કે ‘અમે અકસ્માતના સમાચાર આપ્યા બાદ મુલુંડ-વેસ્ટના તાંબેનગરમાં રહેતા કી‌ર્તિ વીરાના પરિવારજનો થોડી જ વારમાં અગ્રવાલ હૉસ્પિટલ પહોંચી ગયા હતા. તેમણે સારી સારવાર માટે કીર્તિભાઈને અગ્રવાલ હૉસ્પિટલમાંથી પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ જવાનો નિર્ણય લીધો હતો. તેમણે ફોર્ટિસ હૉસ્પિટલમાં ડૉક્ટરો સાથે વાત કરી લીધી હતી. અમે અમારી કાયદાકીય વિધિ પૂરી કરીને કીર્તિભાઈને તેમના પરિવારના સભ્ય સાથે ઍમ્બ્યુલન્સમાં ફોર્ટિસ હૉસ્પિટલ લઈ જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમની તબિયત વધુ બગડી અને ઍમ્બ્યુલન્સમાં જ સાંજે ૬.૨૩ વાગ્યે તેમનો જીવ ગયો હતો.’

kutchi community mumbai local train train accident mumbai mumbai news rohit parikh